23 November, 2023 09:10 AM IST | Ahmedabad | Shailesh Nayak
અંબાજી મંદિરે દર્શન માટે ઊમટેલા માઈભક્તોની ફાઇલ તસવીર
દિવાળીના વેકેશનમાં દસ દિવસ દરમ્યાન ગુજરાતનાં યાત્રાધામો અને પ્રવાસનધામોમાં પોણા તેંતાલીસ લાખથી વધુ પ્રવાસીઓ ઊમટ્યા હતા. આ વર્ષે યાત્રિકોની પહેલી પસંદ દેવદર્શન રહી હતી અને પછી સહેલગાહનાં સ્થળો રહ્યાં હતાં. દસ દિવસના આંકડા પરથી એવું ફલિત થાય છે કે ફરવા જવા કરતાં દેવદર્શનમાં લોકોને વધુ રસ જણાયો હતો. દેવદર્શનમાં અંબાજી, પાવાગઢ, દ્વારકા, સોમનાથ ટૉપ પર રહ્યાં અને સૌથી વધુ પ્રવાસીઓએ ધાર્મિક યાત્રા કરી હતી. એ પછી સ્ટૅચ્યુ ઑફ યુનિટી, કાંકરિયા લેક, અટલ બ્રિજ, સાયન્સ સિટી અને સાસણ ગીર જેવાં પ્રવાસન સ્થળોએ સહેલાણીઓ ઊમટ્યા હતા.
આ વર્ષે દિવાળીની રજાઓમાં ૧૧થી ૨૦ નવેમ્બર દરમ્યાન ગુજરાતનાં ૧૮ યાત્રાધામ અને પ્રવાસન સ્થળોએ ૪૨,૭૫,૯૫૨ લોકોએ મુલાકાત લીધી હતી; જેમાં અંબાજીમાં ૬,૩૫,૭૬૦ દર્શનાર્થીઓએ, દ્વારકા મંદિરમાં ૬,૧૮,૪૬૦, પાવાગઢ મંદિરમાં ૫,૨૫,૪૧૦, સોમનાથ મંદિરમાં ૪,૮૭,૯૭૪, સૂર્ય મંદિર મોઢેરામાં ૩૧,૯૬૯ દર્શનાર્થીઓએ દર્શન કર્યાં હતાં. બીજી તરફ સ્ટૅચ્યુ ઑફ યુનિટીની ૩,૦૩,૮૯૪ સહેલાણીઓએ મુલાકાત લીધી હતી.