11 March, 2023 12:06 PM IST | Ahmedabad | Dr. Dinkar Joshi
ધીરુબેન
શતાબ્દીના ઉંબરે ઊભાં રહીને ધીરુબહેને આવજો કહી દીધું. હવે ધીરુબહેન હોવું નથી, પણ નહીં હોવું છે અને આમ છતાં તેમના આ નહીં હોવાને આપણે હોવા તરીકે લાંબા ગાળા સુધી સ્વીકારી શકીશું નહીં. લગભગ ૬૦ વર્ષ પહેલાં વિલે પાર્લેના સરલાસર્જનમાં મુ. ગુલાબદાસભાઈએ તેમનો પરિચય કરાવ્યો હતો.
એ પછી મારી ઑફિસ સાંતાક્રુઝની ગ્રીન સ્ટ્રીટમાં બરાબર તેમના ઘરની સામે (હંસરાજ વાડી?) થઈ. ઑફિસની બારીમાંથી વાડીમાં ફરતાં ધીરુબહેન ક્યારેક દેખાઈ જાય ત્યારે અમે બન્ને પરસ્પર હાથ અને હોઠ હલાવીને થોડુંક મળી લઈએ. એ પછી ક્યારેક મારી ઑફિસની કૅબિનમાં બેસીને પણ આ થોડુંક લંબાવી દઈએ. અવારનવાર કોઈ ને કોઈ સાહિત્યિક પ્રસંગે પણ મળતાં રહીએ. મારી વાર્તા ‘જવાબ જડી ગયો’ વાંચીને તેઓ એટલાં રાજી થયેલાં કે કનુભાઈ સુચકના ઘરે તેમણે પ્રેમથી મારી પીઠ થાબડેલી. એ થાબડેલી પીઠ પર તેમનાં આંગળાંનાં નિશાન આજે પણ છે અને એ નિશાન મારે માટે કોઈક સુવર્ણચંદ્રકથી ઓછાં નથી.
અમદાવાદ ગયા પછી તેમને મળવાનું ઓછું થતું ગયું. હવે ક્યારેય નહીં થાય. સમવયસ્કો તો જાય જ. તેમને આવજો સિવાય બીજું શું કહેવાય! હા, આ આવજો કહેતી વખતે ગળામાં એક ખરેરાટી થાય છે એ સંતાડવાની જરૂર નથી. પ્રણામ ધીરુબહેન.
(લેખક સાહિત્યકાર અને ગુજરાતી સાહિત્ય અકાદમીના પાંચ પુરસ્કાર મેળવી ચૂક્યા છે.)