10 June, 2024 07:33 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
રોડ-ડિવાઇડર ગોઠવવાનું કામ
ઇડર-હિંમતનગર હાઇવે પર ગુરુવારે રાતે થયેલા ગોઝારા અકસ્માતમાં મુંબઈના જરીવાલા પરિવારના ચાર સભ્યોનાં મોત થયા બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને શનિવારે ત્યાં રોડ-ડિવાઇડર ગોઠવવામાં આવ્યાં હતાં. એ રોડનું એક સાઇડનું કામકાજ ચાલી રહ્યું હોવાથી બીજી લેનમાં બન્ને સાઇડનો ટ્રાફિક ડાઇવર્ટ કરાયો હોવાથી સામસામે આવનારાં વાહનો પોતાની સિંગલ લેનમાં જ ચાલે એ માટે બન્ને લેનને અલગ કરવા હવે પ્લાસ્ટિકનાં ડિવાઇડર મૂકવામાં આવ્યાં છે. જરીવાલા પરિવારનું કહેવું છે કે જ્યારે રસ્તો બનાવવાનું કામ હાથમાં લીધું ત્યારે જ આ ડિવાઇડર મુકાવા જોઈતાં હતાં અને તો કદાચ અમારો પરિવાર બચી જાત.
જરીવાલા પરિવાર ઇડર પાસે આવેલા તેમના વતન નેત્રામલી ગયો હતો. ગુરુવારે તેઓ હિંમતનગરમાં તેમના એેક સંબંધીને ત્યાં બર્થ-ડે પાર્ટીમાં ગયા હતા. રાતે પાછા ફરતી વખતે ૧૧ વાગ્યે તેમનો અકસ્માત થયો હતો. ડમ્પર સાથે તેમની હૉન્ડા સિટી કાર અથડાતાં પરિવારના ચાર સભ્યોનાં મોત થયાં હતાં, જ્યારે ચાર જણ ઘાયલ થયા હતા.