14 June, 2024 01:59 PM IST | Ahmedabad | Shailesh Nayak
વડતાલ સ્વામીનારાયણ મંદિરમાં હરિભક્તોએ બૅનર્સ સાથે લંપટ સાધુઓને હટાવવા માટે સૂત્રોચ્ચાર કરીને દેખાવ કર્યા હતા
સાધુ સામે દુષ્કર્મના આરોપ અને કેટલાક સાધુઓની અનૈતિક હરકતોથી ખેડા જિલ્લાના વડતાલમાં સ્વામીનારાયણ મંદિરમાં મુંબઈ, સુરત, ભરૂચ, વડોદરા, અમદાવાદ, અમરેલી, ભાવનગર સહિતનાં સ્થળોએથી આવેલા હરિભક્તોએ બૅનર્સ સાથે સૂત્રોચ્ચાર અને દેખાવ કરતાં હોબાળો મચ્યો : હરિભક્તો આવેદનપત્ર આપવા ગયા પણ ટ્રસ્ટી અને કોઠારી નીકળી ગયા : સ્વામીનારાયણ સંપ્રદાયને બદનામ કરનારાઓને મંદિરમાંથી દૂર કરીને તેમની સામે પગલાં ભરવાની માગણી
તાજેતરમાં ગુજરાતમાં વડોદરા સહિત અન્ય જગ્યાએ પણ સ્વામીનારાયણ સંપ્રદાયના કેટલાક સાધુઓ સામે વ્યભિચારના આક્ષેપ કરતી બાબતો બહાર આવતાં શ્રી સ્વામીનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિના સભ્યો અને હરિભક્તોએ ગઈ કાલે ખેડા જિલ્લામાં આવેલા વડતાલ સ્વામીનારાયણ મંદિરમાં બૅનર સાથે દેખાવ કર્યા હતા અને અનૈતિક કૃત્ય કરનાર, અધર્મ કરનાર સાધુઓ, પાર્ષદો પર કાયદેસરની કાર્યવાહી કરીને તેમને કાયમી દૂર કરવા વડતાલ મંદિરના મૅનેજિંગ ટ્રસ્ટી બોર્ડને અપીલ કરી છે.
‘લંપટ સાધુને ભગાવો, સંપ્રદાય બચાવો’ સહિતનાં લખાણ સાથેનાં બૅનર્સ લઈને વડતાલ સ્વામીનારાયણ મંદિરના પરિસરમાં હરિભક્તોએ દેખાવ કર્યા હતા અને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. અનૈતિક કામ કરતા સાધુઓ સામે ખુદ હરિભક્તોએ જ મંદિર પરિસરમાં દેખાવ કરતાં હોબાળો મચ્યો હતો. આવેદનપત્રમાં આક્ષેપ કરતાં અપીલ કરવામાં આવી છે કે ‘સ્વામીનારાયણ સંપ્રદાયને બદનામ કરનારા આજ સુધીના લંપટ સાધુઓ, અધર્મી કૃત્યો કરનાર સાધુઓ, ચલણી નોટો છાપનારા સાધુઓ, સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર સાધુઓ, કોઈની જમીન–મિલકતો લઈ લેનારા સાધુઓ સહિતનાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરો.’
શ્રી સ્વામીનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિના પ્રમુખ અર્જુન સુહાગિયાએ આક્ષેપ કરતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ભગવાં કપડાં પહેરીને કુકર્મ કરનારા સાધુઓને કાઢી મૂકવાની હરિભક્તોની માગણી છે. જે સાધુઓ ખોટાં કામો કરે છે તેમને મંદિરમાંથી હાંકી કાઢવાની અપીલ કરી છે. આવા સાધુઓને કારણે સંપ્રદાય બદનામ થાય છે. ગઈ કાલે વડતાલ મંદિરમાં મુંબઈ, સુરત, ભરૂચ, વડોદરા, અમદાવાદ, અમરેલી, ભાવનગર સહિતનાં સ્થળોએથી હરિભક્તો આવ્યા હતા અને તેઓ ખોટાં કામ કરતા સાધુઓ સામે વિરોધ વ્યક્ત કરીને સંપ્રદાયને બદનામ કરતા સાધુઓ સામે પગલાં ભરવા અને તેમને હાંકી કાઢવા માટે આવેદનપત્ર આપવા ગયા હતા, પરંતુ ટ્રસ્ટી અને કોઠારી ત્યાંથી નીકળી ગયા હતા એટલે મૅનેજરને આવેદનપત્ર આપ્યું છે.’