14 January, 2025 03:47 PM IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent
નડિયાદમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સંતરામ મંદિર
મધ્ય ગુજરાતના નડિયાદમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સંતરામ મંદિરમાં ગઈ કાલે શ્રદ્ધાપૂર્વક ૧૦ ટનથી વધુ બોરની વર્ષા થઈ હતી. પોતાનાં નહીં બોલતાં બાળકો માટે આસ્થાપૂર્ણ રીતે રાખેલી બાધા પૂરી થતાં માતા-પિતા સહિત પરિવારના સભ્યોએ સંતરામ મંદિરમાં આવીને ભાવપૂર્ણ રીતે બોર ઉછાળીને બાધા પૂરી કરી હતી અને જય મહારાજના નાદ સાથે મંદિર-પરિસર ગુંજી ઊઠ્યો હતો.
જે પરિવારમાં કોઈ બાળક બોલતું ન હોય કે તોતડું બોલતું હોય એ પરિવારમાં માતા-પિતા પોતાનું બાળક બોલતું થાય એ માટે સંતરામ મંદિરમાં બાધા રાખતાં હોય છે અને બાળક બોલતું થાય એટલે માનતા પૂરી કરવા પોષી પૂનમે નડિયાદમાં આવેલા આ મંદિરે આવીને, સંતરામ મહારાજનાં દર્શન કરીને, જય મહારાજના નાદ સાથે યથાશક્તિ, હરખભેર બોર ઉછાળીને બાધા પૂરી કરતાં હોય છે. ગઈ કાલે નડિયાદ ઉપરાંત ખેડા, આણંદ, માતર, વડોદરા, અમદાવાદ, ગુજરાતભરમાંથી તેમ જ દેશ-વિદેશથી શ્રદ્ધા સાથે અંદાજે ત્રણ લાખથી વધુ શ્રદ્ધાળુઓ સંતરામ મંદિરમાં ઊમટ્યા હતા અને એક અંદાજ મુજબ ૧૦ ટનથી વધુ બોર ઉછાળ્યાં હતાં. મંદિર-પરિસરમાં જ્યાં જુઓ ત્યાં ભક્તજનો જ નજરે પડતા હતા અને જય મહારાજના નારા ગુંજતા હતા.