ડાકોરમાં ભાવિકોએ મોરપીંછ કેક સાથે નંદોત્સવમાં ઉમંગભેર ઉજવણી કરી

09 September, 2023 11:58 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

ડાકોર, દ્વારકા, શામળાજી, સોમનાથ ભાલકાતીર્થ, અમદાવાદ સહિતનાં કૃષ્ણમંદિરોમાં ગઈ કાલે લાલાનાં પારણાં થયાં ઃ બાળસ્વરૂપ સામે રમકડાં મુકાયાં ઃ માખણ, મિસરી, પેંડા, બરફી સહિત જાતભાતની વાનગીઓનો ભોગ ધરાવાયો ઃ

અમદાવાદમાં ઇસ્કૉન મંદિરમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કૃષ્ણ જન્મોત્સવમાં ભાગ લઈને શ્રદ્ધાથી પ્રભુની આરતી ઉતારી હતી.


અમદાવાદ ઃ સમગ્ર ગુજરાતમાં હર્ષોલ્લાસ સાથે જન્માષ્ટમી પર્વની ઉજવણી બાદ ગઈ કાલે ભક્તિભાવ સાથે નંદોત્સવ ઉજવાયો હતો અને ભાવિકોએ બાળ કનૈયાને લાડથી પારણે ઝુલાવીને ધન્યતા અનુભવી હતી. વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં રણછોડરાયજી મંદિરમાં જન્માષ્ટમીની મોડી રાતે ભાવિકો મોરપીંછ કેક સાથે ભગવાનના જન્મની ઉજવણી કરવા હરખભેર આવ્યા હતા અને કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી હતી.


જન્માષ્ટમી પર્વની ઉજવણી બાદ ગઈ કાલે ગુજરાતના વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામો ડાકોર, દ્વારકા, શામળાજી, સોમનાથ ભાલકાતીર્થ, અમદાવાદ સહિતનાં કૃષ્ણમંદિરોમાં ગઈ કાલે લાલાનાં પારણાં થયાં હતાં. બાળસ્વરૂપ સામે રમકડાં મુકાયાં હતાં અને માખણ, મિસરી, પેંડા, બરફી સહિત જાતભાતની વાનગીઓનો ભોગ ધરાવાયો હતો. ડાકોરમાં દ્વારકાધીશ ભગવાન, ડાકોરમાં રણછોડરાયજી ભગવાન અને શામળાજીમાં શામળિયાજી ભગવાનનાં દર્શન માટે ભાવિકો ઊમટ્યા હતા. ડાકોરમાં ડાકોરના ઠાકોર રણછોડરાયજી ભગવાનને સવા લાખનો સોનાનો મુગટ ધારણ કરાવ્યો હતો. વર્ષમાં માત્ર ત્રણ વખત સોનાનો મુગટ પ્રભુને ધારણ કરાવાય છે. જન્માષ્ટમી પર્વમાં મોડી રાતે ડાકોરમાં કૃષ્ણ ભગવાન માટે જાતભાતની કેક લઈને ભાવિકો આવ્યા હતા. રણછોડરાયજીના કૃષ્ણ જન્મોત્સવના પ્રસાદમાં હવે કેકનો પણ ઉમેરો થયો છે. ભાવિકો તેમના આરાધ્ય દેવના જન્મદિન પ્રસંગે કેક સાથે આવ્યા હતા અને પ્રભુ સામે કેક ધરાવી હતી. ડાકોરમાં જન્માષ્ટમીના બીજા દિવસને ગોપીઓની નોમ તરીકે ઊજવવામાં આવે છે ત્યારે ગઈ કાલે શ્રદ્ધાળુઓ વ્રજવાસીઓ બનીને તેમની વેશભૂષામાં સજ્જ થઈને આવ્યા હતા અને લાલાને પારણે ઝુલાવ્યો હતો.


અમદાવાદમાં ઇસ્કૉન મંદિરમાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કૃષ્ણ જન્મોત્સવમાં ભાગ લઈને શ્રદ્ધા સાથે પ્રભુની આરતી ઉતારી હતી. તેઓએ શ્રીકૃષ્ણનાં દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. તેઓએ સૌના કલ્યાણ સાથે રાજ્ય અને દેશની પ્રગતિમાં પ્રભુકૃપા વરસતી રહે એવી પ્રાર્થના કરી હતી.

gujarat news janmashtami dakor