20 October, 2023 09:40 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
અરબી સમુદ્રમાં લો-પ્રેશરના કારણે ડિપ્રેશન બનવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જોકે આના પગલે ગુજરાતમાં સાઇક્લોનની હમણાં કોઈ સ્થિતિ નથી, પરંતુ સૌરાષ્ટ્રના દરિયાકિનારા અને ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડવાની શક્યતાનું હવામાન નિષ્ણાતે અનુમાન વ્યક્ત કર્યું છે.
ગુજરાતના હવામાન વિભાગનાં ડિરેક્ટર મનોરમા મોહંતીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અરબી સમુદ્રમાં એક લો-પ્રેશર હમણાં બન્યું છે જે ડિપ્રેશન બનવાની સંભાવના છે. એની મૂવમેન્ટ મોસ્ટલી વેસ્ટ-નૉર્થ-વેસ્ટ તરફ જશે. પશ્ચિમ તરફ મૂવ કરવાની સંભાવના છે. ગુજરાત પર હમણાં સાઇક્લોનની કોઈ સ્થિતિ નથી.’
બીજી તરફ ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે સંભાવના વ્યક્ત કરતાં મીડિયાને કહ્યું હતું કે ‘અરબી સમુદ્રમાં લો-પ્રેશર ડેવલપ થયું છે એ ૨૨, ૨૩ અને ૨૪મીએ ભારે ચક્રવાતના સંજોગો થશે. અરબી સમુદ્રમાં ઘેરાવો મોટો હશે, જેના કારણે ૨૧થી ૨૩ ઑક્ટોબરે કદાચ સૌરાષ્ટ્રના દરિયાકિનારાના કેટલાક ભાગો સહિત ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહેશે.’