ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્નથી સન્માનિત કરો

21 September, 2024 08:05 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

અમદાવાદમાં મળેલી સમસ્ત ક્ષત્રિય સમાજની સભાએ કર્યો ઠરાવ

ગુજરાતનાં અનેક સ્ટેટના રાજવીઓ, ક્ષત્રિય સમાજના આગેવાનો

 સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચની રચના કરીને વિજયરાજસિંહ ગોહિલની સર્વાનુમતે પ્રમુખ તરીકે વરણી :  ગુજરાતનાં અનેક સ્ટેટના રાજવીઓ, ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા 

અમદાવાદમાં ગઈ કાલે મળેલી સમસ્ત ક્ષત્રિય સમાજની સભામાં ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્નથી સન્માનિત કરવા માટે માગણી ઉઠાવીને ઠરાવ કરવામાં આવ્યો હતો અને સમાજના ઉત્થાન માટે એક થઈને સૌ ક્ષત્રિયો કામ કરવા સંકલ્પબદ્ધ થયા હતા.  

સભામાં થયેલા ઠરાવમાં જણાવ્યું હતું કે નાનાં-મોટાં ૫૬૨ જેટલાં રજવાડાંઓમાં વિભાજિત ભારત દેશને એક રાષ્ટ્ર બનાવવા માટે દીર્ઘદૃ​​ષ્ટિભર્યા અભિગમથી ગાંધીજીના ચરણે સૌથી પહેલાં પોતાનું રજવાડું મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ અર્પણ કરીને અન્ય રજવાડાંઓને રાહ ચીંધ્યો હતો. સરદાર પટેલે તેમને કહ્યું હતું કે તમે મારો પહાડ જેવડો ભાર હળવો કરી દીધો, આપનો સહકાર અમને ભાગીરથીના અવતરણ જેટલું ગંજાવર બળ પૂરું પાડશે. આવા દેશપ્રેમી, પ્રજાવત્સલ, સેવાધર્મી, પરોપકારી, દૂરંદેશી એવા ભાવનગર સ્ટેટના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન સમ્માનથી વિભૂષિત કરવામાં આવે.

સમાજ દ્વારા સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચની રચના કરીને અેના પ્રમુખ તરીકે ભાવનગરના મહારાજા વિજયરાજસિંહ ગોહિલની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. આ સભામાં ગુજરાતના અનેક સ્ટેટના રાજવીઓ, ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સમાજના ઉત્થાન માટે સમાજ શૈક્ષણિક રીતે આગળ વધે, સામાજિક રીતે અને આર્થિક રીતે દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરે એ લક્ષ્યાંક સાથે સમાજ આગળ વધે એ માટે કટિબદ્ધ થયા હતા.

gujarat news bhavnagar ahmedabad gujarati community news gujarat