05 July, 2024 10:58 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ચાર કલાકમાં ૮ ઇંચ વરસાદ ખાબક્યો
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના દાંતામાં ગઈ કાલે આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી. દાંતા પંથકમાં સવારના ૪ કલાકમાં ૮ ઇંચ વરસાદ ખાબક્યો હતો જેના પગલે આખો વિસ્તાર જળબંબાકાર થઈ ગયો હતો અને ગ્રામીણ વિસ્તારના નાગરિકો પારાવાર મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.
દાંતા પંથકમાં ગઈ કાલે સવારે ૬થી ૧૦ વાગ્યા સુધીના ૪ કલાકમાં સાંબેલાધાર ૮ ઇંચ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને કારણે દાંતા તાલુકો જળબંબોળ થયો હતો. દાંતા વચ્ચેથી પસાર થતા અંબાજીથી અમદાવાદ જતા સ્ટેટ હાઇવે પર, દાંતાની સરકારી હૉસ્પિટલમાં તેમ જ આસપાસનાં અનેક ગામો અને ખેતરોમાં પાણી ભરાયાં હતાં. દાંતા પંથકની સૂકીભઠ નદીઓ અને વોકળાઓમાં પાણી આવ્યાં હતાં એટલુ જ નહીં, ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે ધરોઈ ડૅમમાં પાણીની સપાટીમાં વધારો થયો હતો.
૮૯ તાલુકામાં વરસાદ
ગુજરાતમાં ગઈ કાલે સાંજે ૪ વાગ્યા સુધીમાં ૮૯ તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. ઉત્તર ગુજરાત પર મેઘો મહેરબાન થયો હોય એમ વડગામમાં બે ઇંચથી વધુ, પાલનપુરમાં બે ઇંચ, સતલાસણા અને ખેડબ્રહ્મામાં એક ઇંચથી વધુ તેમ જ પોશીના, વડાલી, વિજયનગર, ખેરાલુ, વડનગર, પાટણ, ઇડર, સિદ્ધપુર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો.
ઉત્તર ગુજરાત ઉપરાંત નર્મદા જિલ્લાના તિલકવાડામાં બે કલાકમાં બે ઇંચ વરસાદ સાથે કુલ અઢી ઇંચથી વધુ, તાપી જિલ્લાના કુકરમુંડામાં બે ઇંચ, સુરતના ઉમરપાડામાં દોઢ ઇંચથી વધુ, છોટાઉદેપુરના નસવાડી, પંચમહાલના હાલોલ, ભરૂચના ઝઘડિયા અને નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.