16 June, 2023 03:12 PM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
રાજ્યમાં આવેલા વાવાઝોડા અંગે CM પટેલે કરી સમીક્ષા
ગુજરાત (Gujarat)ના દરિયાકાંઠે ગુરુવારે રાત્રે ‘બિપરજોય’ (Cylone Biparjoy)વાવાઝોડું ટકરાયા બાદ પ્રભાવિત જિલ્લાઓની પરિસ્થિતિનો તાગ મેળવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા. SEOC ખાતે મુખ્ય સચિવ સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી રાજ્યના મુખ્યપ્રધાને સ્થિતિનો તાગ મેળવ્યો હતો.
રાહત કમિશનર આલોક પાંડેએ આ બેઠકની વિગતો આપતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના આગોતરા આયોજન, મુખ્યમંત્રીના માર્ગદર્શન તથા સૌના પ્રયાસોથી ગુજરાતમાં મોટી જાનહાનિ ટળી છે. રાજ્યમાં વાવાઝોડા(Cylone Biparjoy)ના પરિણામે એક પણ માનવમૃત્યુ નોંધાયું નથી. આગોતરા આયોજનના ભાગરૂપે રાજ્ય સરકારે પ્રભાવિત વિસ્તારોમાંથી એક લાખથી વધુ નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે. આ સ્થળાંતર કદાચ ગુજરાતના ઇતિહાસના સૌથી મોટા સ્થળાંતરમાનું એક હશે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, મુખ્યમંત્રીએ બેઠકમાં ઉપસ્થિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ પાસેથી જિલ્લાવાર સ્થિતિની વિગતવાર માહિતી મેળવી હતી. વાવાઝોડા(Cylone Biparjoy)ના પરિણામે પ્રભાવિત જિલ્લાઓમાં પાણી, કમ્યુનિકેશન સિસ્ટમ, વીજળી અને રોડ રસ્તાને વહેલી તકે પૂર્વવત કરવા સહિતની સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત પ્રાથમિક નુકસાનીનો અંદાજ મેળવવા, અસરગ્રસ્તો માટે કેશડોલ, ઘરવખરી, ઝુંપડા સહાય અને પશુ સહાય જેવી વ્યવસ્થાઓ પણ કરવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
વાવાઝોડાથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં આર્થિક નુકશાન થયું છે. પરંતુ તેમાંથી પણ ઝડપભેર બહાર આવવાની વાત કરતા આલોક પાંડેએ જણાવ્યું હતું કે, વાવાઝોડા(Cylone Biparjoy)ના પરિણામે રાજ્યમાં 1137 જેટલા વૃક્ષો ધરાશાયી થતાં 263 રસ્તાઓ બંધ થયા હતા. આ તમામ વૃક્ષોને હટાવીને 260 રસ્તાઓ પુનઃ કાર્યરત કરાયા છે, જ્યારે ૩ રસ્તામાં નુકશાન થયું હોવાથી તેને પૂર્વવત કરવાની કામગીરી હાલ ચાલી રહી છે. ભારે પવન કારણે અસરગ્રસ્ત જિલ્લાઓમાં 5120 જેટલા વીજ થાંભલાઓ પડી જતા 4600થી વધુ ગામમાં વીજળી ઠપ્પ થઈ હતી, જેમાંથી 3580 જેટલા ગામોમાં વીજળી પુનઃ સ્થાપિત કરવામાં આવી છે. PGVCLની ટીમો દ્વારા ચાલુ વરસાદે સતત કામ કરી રહી છે.
તેમણે નુકશાની અંગે માહિતી આપતા ઉમેર્યું હતું કે, પ્રભાવિત જિલ્લાઓમાં 20 કાચા મકાન, 9 પાકા મકાન અને 65 જેટલા ઝૂંપડા સંપૂર્ણ રીતે ધરાશાયી થયા છે. જ્યારે 474 જેટલા કાચા મકાન અને 2 પાકા મકાનને અંશતઃ નુકશાન થયું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર વાવાઝોડું સાંજે ગુજરાતને ઓળંગશે, ત્યારબાદ ધીરે ધીરે પવનની ગતિ ઘટશે. હજુ પણ પ્રભાવિત જિલ્લાઓમાં પવનની ગતિ વધુ હોવાથી કચ્છ, દ્વારકા, પાટણ અને બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.