બીવડાવી રહેલું ‘બિપરજૉય’ વિનાશ ન વેરે તો સારું

12 June, 2023 09:36 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

વાવાઝોડાને લઈને ગુજરાત સરકાર ઍક્શન મોડ પર આવી, કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, જૂનાગઢ અને મોરબી જિલ્લામાં થઈ શકે છે વધુ અસર

સુરતમાં વાવાઝોડાના ખતરાના કારણે ચાર્ટર્ડ પ્લેન્સને બાંધવામાં આવ્યાં હતાં.

બિપરજૉય વાવાઝોડું ૧૫ જૂને કચ્છના માંડવીથી પાકિસ્તાનના કરાચી વચ્ચે લૅન્ડફૉલ થવાની સંભાવના, વાવાઝોડું પોરબંદરથી ૪૫૦, દેવભૂમિ દ્વારકાથી ૪૯૦ અને નલિયાથી ૫૭૦ કિલોમીટર દૂર, વાવાઝોડાને લઈને ગુજરાત સરકાર ઍક્શન મોડ પર આવી, કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, જૂનાગઢ અને મોરબી જિલ્લામાં થઈ શકે છે વધુ અસર

ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્ર પર બિપરજૉય વાવાઝોડાનો ખતરો મંડરાયો છે. બિપરજૉય વાવાઝોડું ૧૫ જૂને કચ્છના માંડવીથી પાકિસ્તાનના કરાચી વચ્ચે લૅન્ડફૉલ થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. એટલું જ નહીં, ૧૨૫થી લઈને ૧૫૦ કિલોમીટર પ્રતિ કલાક સુધી પવન ફૂંકાવા સાથે ભારેથી અતિભારે વરસાદ પડવાનું હવામાન વિભાગે પૂર્વાનુમાન કર્યું છે ત્યારે વાવાઝોડાને લઈને ગુજરાત સરકાર ઍક્શન મોડ પર આવી હતી અને ગઈ કાલે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે બેઠક યોજીને સ્થિતિની સમીક્ષા કરી હતી.

બિપરજૉય વાવાઝોડું પોરબંદરથી ૪૫૦, દેવભૂમિ દ્વારકાથી ૪૯૦ અને નલિયાથી ૫૭૦ કિલોમીટર દૂર છે ત્યારે એની અસર ૧૪ જૂનથી ગુજરાતમાં દેખાશે. ગુજરાતના કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, જૂનાગઢ અને મોરબી જિલ્લામાં વાવાઝોડાની વધુ અસર થઈ શકે છે.

અમદાવાદ હવામાન વિભાગનાં હેડ મનોરમા મોહંતીએ કહ્યું હતું કે ‘બિપરજૉય વાવાઝોડું ૧૫ જૂને બપોરે કચ્છના માંડવીથી પાકિસ્તાનના કરાચી વચ્ચે લૅન્ડફૉલ થવાની સંભાવના છે. આ વેરી સિવિયર સાઇક્લોનિક સ્ટૉર્મની વિન્ડ સ્પીડ ૧૨૫થી ૧૩૫ કિલોમીટર પર અવરની રહેશે અને એ ૧૫૦ સુધી જઈ શકે છે. વાવાઝોડાને કારણે ગુજરાતમાં વરસાદ પડશે, પરંતુ સૌથી વધુ વરસાદ એક્સ્ટ્રીમલી હેવી રેઇન કચ્છ, દ્વારકા, જામનગર અને મોરબી જિલ્લામાં પડશે. જ્યારે પોરબંદર, રાજકોટ અને જૂનાગઢ જિલ્લામાં હેવી ટુ વેરી હેવી રેઇન થવાની સંભાવના છે.’

ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓ પર તોળાઈ રહેલા બિપરજૉય વાવાઝોડાની સંભવિત વ્યાપકતા અને અસરો સામે જિલ્લા તંત્રની આપત્તિ વ્યવસ્થાપન સજ્જતાના મુદ્દે વિડિયો કૉન્ફરન્સના માધ્યમથી ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે બેઠક યોજીને માહિતી મેળવી હતી અને લોકોને ઓછામાં ઓછી અગવડ પડે તેમ જ સલામતી જળવાઈ રહે એ રીતે વ્યવસ્થા કરવા નિર્દેશ કર્યા હતા. આ ઉપરાંત વીજળી, પાણી, દવા જેવી આવશ્યક વસ્તુઓના પુરવઠાને અસર પહોંચે તો તાત્કાલિક પુનઃસ્થાપન માટેની ટીમો, પમ્પિંગ મશીન, જનરેટર સહિતની વ્યવસ્થાઓ કરવા સૂચન કર્યું હતું. તેઓએ કહ્યું હતું કે ‘જિલ્લાના કાંઠા વિસ્તારનાં નીચાણવાળાં ગામોમાં રહેતા લોકોનું જરૂર જણાયે સલામત સ્થળે સ્થળાંતર થઈ જાય એ જરૂરી છે.’

સંભવિત વાવાઝોડાના કારણે વહીવટી તંત્રે કરેલી વ્યવસ્થાના આયોજનની કામગીરીમાં માર્ગદર્શન આપવા અને મદદરૂપ થવા માટે ગુજરાતના નવ પ્રધાનોને જવાબદારી સોંપી છે. કચ્છમાં ઋષિકેશ પટેલ અને પ્રફુલ પાનસેરિયા, મોરબીમાં કનુ દેસાઈ, રાજકોટમાં રાઘવજી પટેલ, પોરબંદરમાં કુંવરજી બાવળિયા, જામનગરમાં મુળુ બેરા, દ્વારકામાં હર્ષ સંઘવી, જૂનાગઢમાં જગદીશ વિશ્વકર્મા અને ગીર સોમનાથ જિલ્લામાં પરષોત્તમ સોલંકીને જવાબદારી સોંપી છે.

એનડીઆરએફની સાત ટીમ રાજકોટ, કચ્છ, મોરબી, જામનગર અને દ્વારકામાં ડિપ્લૉય કરવામાં આવી છે તેમ જ ત્રણ ટીમ વડોદરામાં સ્ટૅન્ડ બાય રાખી છે. આ ઉપરાંત એસડીઆરએફની ૧૨ ટીમ તહેનાત છે. 

cyclone kutch saurashtra Weather Update Gujarat Rains gujarat news shailesh nayak ahmedabad