ગુજરાતમાં શાળા-પ્રવેશોત્સવમાં બાધારૂપ બની શકે છે વાવાઝોડું

11 June, 2023 09:14 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

૧૨થી ૧૪ જૂન એમ ત્રણ દિવસ દરમ્યાન શાળા-પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાવાનો છે અને એ સમયે સાઇક્લોનની આગાહી

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક

બિપરજૉય વાવાઝોડાએ ગુજરાતને અલર્ટ મોડમાં મૂકી દીધું છે ત્યારે ગુજરાતમાં શાળા-પ્રવેશોત્સવ કાર્યક્રમમાં કદાચ વાવાઝોડાની અસર બાધારૂપ બની શકે છે. ગુજરાતમાં ૧૨થી ૧૪ જૂન એમ ત્રણ દિવસ દરમ્યાન શાળા-પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાવાનો છે અને આ દિવસોમાં વાવાઝોડાની અસર ગુજરાતમાં વર્તાય એવી સંભાવના વ્યક્ત થઈ છે. હવામાન વિભાગે આ દિવસોમાં ગુજરાતમાં વરસાદ પડવાની અને વિન્ડ ઇમ્પેક્ટ રહેવાનું પૂર્વાનુમાન કર્યું છે.

ગુજરાતમાં શાળા-પ્રવેશોત્સવનો ૨૦મો તબક્કો ૧૨થી ૧૪ જૂન દરમ્યાન યોજાશે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ ૧૨મી જૂને કચ્છના કુરન ગામથી શાળા-પ્રવેશોત્સવનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવશે. ત્યાર બાદ ૧૩ જૂને નર્મદા સાગબારાના જાવલી ગામે અને ૧૪ જૂને ભાવનગર–મહુવાના કતરપર ગામનાં બાળકોને ભૂપેન્દ્ર પટેલ શાળામાં પ્રવેશ કરાવશે. આ ત્રણ દિવસ દરમ્યાન ગાંધીનગર, ડાંગ, સુરત, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ, ભરૂચ, અમરેલી, વલસાડ, ગીર સોમનાથ, મોરબી સહિત ગુજરાતના જુદા-જુદા જિલ્લાઓમાં ગુજરાત પ્રધાન મંડળના સભ્યો, અધિકારીઓ પ્રવેશોત્સવમાં ભાગ લઈને બાળકોને શાળાઓમાં પ્રવેશ કરાવશે.

ગુજરાતમાં ૧૨થી ૧૪ જૂન એમ ત્રણ દિવસ દરમ્યાન શાળા-પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાવાનો છે અને આ જ દિવસોમાં વાવાઝોડાની અસર ગુજરાતમાં થાય એવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે. 

બીજી તરફ સંભવિત વાવાઝોડાને લઈને સુરત, વલસાડ, જામનગર સહિતના ગુજરાતનાં દરિયાકિનારાનાં સંખ્યાબંધ ગામોને અલર્ટ કરાયાં છે અને તંત્ર સાબદું થયું છે. કદાચ સ્થળાંતર કરવું પડે તો એના માટે પણ વહીવટીતંત્ર તૈયાર છે. એન.ડી.આર.એફ.ની ટીમો પણ તૈયાર છે એવા સંજોગોમાં નાગરિકોમાં પણ વાવાઝોડાને લઈને ચિંતાનું મોજું છવાયું છે.ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ જે જિલ્લામાંથી શાળા-પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવવાના છે એ કચ્છ જિલ્લાતંત્ર પણ વાવાઝોડાને લઈને અલર્ટ મોડ પર છે. બિપોરજૉય વાવાઝોડાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે ત્યારે એની સંભવિત અસરને પહોંચી વળવા માટે કચ્છ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સાવચેતીનાં પગલાં લેવામાં આવી રહ્યાં છે. કચ્છ કલેક્ટરે તમામ અધિકારીઓ–કર્મચારીઓને ૧૫ જૂન  ૨૦૨૩ સુધી હેડક્વૉર્ટર નહીં છોડવા જણાવ્યું છે. 

cyclone Weather Update Gujarat Rains gujarat news ahmedabad