11 June, 2023 09:10 AM IST | Rajkot | Rashmin Shah
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક
અરબી સમુદ્રમાં સર્જાયેલા લો ડિપ્રેશનને કારણે બિપરજૉય સાઇક્લોને ફાઇનલી પોરબંદર તરફ આગળ વધવાનું શરૂ કર્યું છે. ગઈ કાલે સાંજે સાત વાગ્યે બિપરજૉય પોરબંદરથી પ૬૦ કિલોમીટર દૂર હતું, જેની ઝડપ પ્રતિ કલાક ૭ કિલોમીટરની હતી. ગુજરાત હવામાન વિભાગનાં ડિરેક્ટર મનોરમા મોહંતીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સાઇક્લોનનો માર્ગ વારંવાર બદલાયો હોવાથી હવે એની તાકાત ઓસરી છે. એમ છતાં, એ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવન સાથે ભારેથી અતિભારે વરસાદ આપશે. સાઇક્લોનિક અસર આજથી બુધવાર સુધી દેખાશે અને ધીમે-ધીમે એ તીવ્ર થતી જોવા મળશે.’
બિપરજૉયના કારણે ગુજરાતના દરિયાકાંઠા પર આવેલા ૧૩ જિલ્લામાં એની અસર વધારે જોવા મળવાની શક્યતા હોવાથી ગુજરાત સરકારે નૅશનલ ડિઝૅસ્ટર ટીમને એ જિલ્લાઓમાં તહેનાત રાખી છે. બિપરજૉયને કારણે ગઈ કાલે જ વાતાવરણમાં ફરક જોવા મળ્યો હતો અને પોરબંદરના દરિયામાં ૧૦થી ૧૫ ફુટ ઊંચાઈનાં મોજાં ઊછળતાં જોવા મળ્યાં હતાં. બિપરજૉયની દિશા વારંવાર બદલાતી હોવાથી એનું સાઇક્લોનિક પ્રેશર ઘટ્યું હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ દેખાઈ રહ્યું છે. એમ છતાં, બુધવાર સુધીમાં ઉત્તરોત્તર ગુજરાતમાં પવનની ગતિ તેજ થવાની સંભાવના પણ ગુજરાત હવામાન વિભાગે વ્યક્ત કરી હતી. સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે બુધવાર સુધીમાં ૫૦થી ૬૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે.
નામ કેવી રીતે પડ્યું?
‘બિપરજૉય’ નામ બંગલાદેશ દ્વારા સજેસ્ટ કરાયું હતું. બંગાળી ભાષામાં આ શબ્દનો અર્થ ‘હોનારત’ કે ‘આપદા’ થાય છે. સાઇક્લોન્સનું નામકરણ ગાઇડલાઇન્સને અનુસરીને દેશો દ્વારા વારાફરતી કરવામાં આવે છે.