કોરોના વિરુદ્ધ જંગ માટે ગુજરાત સાવધાન થયું

22 December, 2022 11:28 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને લઈને ગુજરાતના આરોગ્ય વિભાગની બેઠક યોજાઈ, નવા વેરિઅન્ટનાં શંકાસ્પદ લક્ષણો સાથેના અમદાવાદ અને વડોદરામાં બે કેસ

કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને લઈને ગઈ કાલે ગાંધીનગરમાં ગુજરાતના આરોગ્યપ્રધાન હૃષીકેશ પટેલે આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજીને સમીક્ષા કરી હતી.

અમદાવાદ : કોરોનાના કહેર બાદ ફરી એક વાર કોરોનાના વાવરે માથું ઊંચક્યું છે ત્યારે ગુજરાતમાં ગઈ કાલે આરોગ્યપ્રધાન હૃષીકેશ પટેલના અધ્યક્ષ સ્થાને કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ વિશે સમીક્ષાબેઠક યોજાઈ હતી. આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથેની આ બેઠકમાં રાજ્યમાં કોરોના સામેની સુરક્ષા માટે અગમચેતીના ભાગરૂપે તમામ વ્યવસ્થાઓથી સજ્જ થવા આરોગ્યપ્રધાને સૂચના આપી હતી.

ગુજરાતના અમદાવાદ તેમ જ વડોદરામાં નવા વેરિઅન્ટનો શંકાસ્પદ લક્ષણો સાથેનો કેસ હોવાની વિગતો સામે આવી હતી અને એ ચીનમાં નોંધાયેલા વેરિઅન્ટનો કેસ છે કે નહીં એની તપાસ થશે એવી વિગતો બહાર આવી હતી. જોકે ગુજરાતના આરોગ્ય વિભાગે આ બાબતે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે આ પ્રકારના કોરોના ઓમિક્રોન વેરિએન્ટના બીએફ સેવન અને બીએફ ટ્વેલ્વ સ્વરૂપથી સંક્રમિત દરદી જુલાઈ, ઑક્ટોબર અને નવેમ્બર–૨૦૨૨માં નોંધાયા હતા. આ તમામ દરદીઓને હોમ આઇસોલેશનમાં જ સારવાર આપવામાં આવી હતી. જેઓ સંપૂર્ણ સાજા અને સ્વસ્થ થઈ ગયા છે.

આરોગ્યપ્રધાન હૃષીકેશ પટેલે બેઠકમાં ગુજરાતના પી.એચ.સી., સી.એચ.સી., સિવિલ હૉસ્પિટલમાં બેડની ઉપલબ્ધતા, વે​ન્ટિલેટર તેમ જ ઑ​ક્સિજન ટૅન્કની વ્યવસ્થાઓ, દવાઓના જથ્થા સહિતની કોરોના સંબંધિત તમામ વ્યવસ્થાઓ વિશે સમીક્ષા કરી હતી. વિદેશી પ્રવાસીઓના ફરજિયાત કોરોના ટેસ્ટિંગ અને ટ્રેસિંગ કરવા માટેની સૂચના આપવામાં આવી છે. હાલમાં ગુજરાતમાં દરરોજ બેથી ત્રણ જેટલા કોરોનાના જૂજ કેસ જોવા મળી રહ્યા છે. આરોગ્યતંત્રના અધિકારીઓએ ગુજરાતની સિવિલ હૉસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ અને તબીબી અધિકારીઓ સાથે વિડિયો-કૉન્ફરન્સ યોજીને કોરોના સામેની સુરક્ષા-વ્યવસ્થાનાં પગલાં લેવા સૂચના આપી હતી.

કોરોનાના જે સબ-વેરિઅન્ટે ચીનમાં કેર વર્તાવ્યો એના ત્રણ કેસ ભારતમાં

ચીનમાં અત્યારે ઓમાઇક્રોનના સબ-વેરિઅન્ટ BF.7ના કારણે જ કોરોનાના કેસોનો વિસ્ફોટ થયો હોવાનું જણાવાયું છે. હવે ભારતમાં અત્યાર સુધીમાં BF.7ના ત્રણ કેસ ડિટેક્ટ થયા છે. ગુજરાત બાયોટેક્નૉલૉજી રિસર્ચ સેન્ટર દ્વારા ઑક્ટોબરમાં ભારતમાં BF.7નો પહેલો કેસ ડિટેક્ટ થયો હતો. ગુજરાતમાં બે કેસ ડિટેક્ટ થયા છે, જ્યારે એક કેસ ઓડિશામાં ડિટેક્ટ થયો છે. આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં યોજાયેલી રિવ્યુ મીટિંગમાં એક્સપર્ટ્સે જણાવ્યું હતું કે ‘અત્યારે કોરોનાના કુલ કેસની સંખ્યામાં વધારો થયો નથી. જોકે અત્યારના અને ઊભરી રહેલા વેરિઅન્ટ્સનું સતત ટ્રેકિંગ કરવું જરૂરી છે.’

gujarat news coronavirus covid19 ahmedabad