20 May, 2023 08:50 AM IST | Ahmedabad | Shailesh Nayak
ફાઇલ તસવીર
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો જ્યારથી ગુજરાતનો કાર્યક્રમ જાહેર થયો છે ત્યારથી તે સતત વિવાદમાં રહેવા પામ્યો છે. ગઈ કાલે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલાએ બાગેશ્વર ધામના ગુજરાતના કાર્યક્રમોને બીજેપીનું માર્કેટિંગ ગણાવીને એનો વિરોધ કર્યો હતો.
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનું આયોજન સુરત, અમદાવાદ અને રાજકોટમાં થયું છે ત્યારે ગઈ કાલે સુરતમાં શંકરસિંહ વાઘેલાએ આ કાર્યક્રમના મુદ્દે આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘આ બીજેપીનું માર્કેટિંગ છે. ધર્મના નામે ધતિંગ કરવાવાળા આ દેશમાં કોઈ ભૂખ્યા નથી, એમને મજા જ મજા છે. ધર્મનો રાજકીય ઉપયોગ ન કરવો જોઈએ. જે આંધળા ધર્મભક્તો હોય છે તેમને તો ભગવાન માફ કરે. બીજેપી આવી રીતે જે આવા લોકોનો દુરુપયોગ કરીને લોકોના ખોટા ચમત્કારના નામે નાટક કરવાનાં એ નાટક બંધ થવાં જોઈએ. વૈજ્ઞાનિક યુગમાં આપણે જીવીએ છીએ. આ યુગમાં આવા ધતિંગને આવકાશ ન હોય. આ ધર્મના નામે ધતિંગવાળા ધુતારા આજે અસંખ્ય છે. એવા કલ્પના બહારના લોકો છે.’
તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે ‘ધર્મનો વેપાર કરવાનો હોય? નાટક કરવાનાં હોય? ધર્મના માટે માર્કેટિંગ ધર્મના નામે ધતિંગ કરવા માટે આ પોલરાઇઝેશન કરવાનું? કેરલાની સ્ટોરી હોય કે બજરંગબલી હોય કર્ણાટકમાં, બજરંગબલી પધારો ગુજરાત ભણી હવે કર્ણાટકથી.’