21 December, 2022 11:04 AM IST | Ahmedabad | Shailesh Nayak
ગુજરાત વિધાનસભાગૃહમાંથી કૉન્ગ્રેસના વિધાનસભ્યોએ વૉકઆઉટ કર્યો હતો અને વિધાનસભા પરિસરમાં સૂત્રોચ્ચાર કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો.
અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ ૧૫મી વિધાનસભાના પ્રથમ સત્રમાં પહેલા જ દિવસે વિપક્ષ કૉન્ગ્રેસે રાજ્યપાલના આભારપ્રસ્તાવ પર ચર્ચા કરવા માટે સમય માગ્યો, પરંતુ એ ન મળતાં ગૃહમાંથી કૉન્ગ્રેસે વૉકઆઉટ કર્યો હતો અને વિધાનસભા પરિસરમાં સૂત્રોચ્ચાર કરીને વિરોધ દર્શાવતાં હોબાળો મચી ગયો હતો.
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાત વિધાનસભાના પ્રથમ સત્રના પ્રારંભે ગૃહમાં સંબોધન કર્યું હતું. રાજ્યપાલના સંબોધન બાદ ગૃહમાં રાજ્યપાલના પ્રસ્તાવ પર ચર્ચા કરવા માટે વિપક્ષને સમય ન ફાળવતાં કૉન્ગ્રેસના વિધાનસભ્યોએ ગૃહમાંથી બહાર નીકળી જઈને વિરોધ નોંધાવ્યો હતો. કૉન્ગ્રેસનાં વિધાનસભ્યો અર્જુન મોઢવાડિયા, ગેનીબહેન ઠાકોર, સી. જે. ચાવડા, ઇમરાન ખેડાવાલા, અમિત ચાવડા સહિતના વિધાનસભ્યોએ વિધાનસભા પરિસરમાં ‘બીજેપી તેરી દાદાગીરી નહીં ચલેગી-નહીં ચલેગી, બીજેપી તેરી તાનાશાહી નહીં ચલેગી-નહીં ચલેગી’ જેવો સૂત્રોચ્ચાર કર્યો હતો.
કૉન્ગ્રેસના વિધાનસભ્ય અમિત ચાવડાએ કહ્યું હતું કે ‘કામકાજ સલાહકાર સમિતિની રચના થઈ નથી અને એનો રિપોર્ટ ગૃહમાં રજૂ થયો નથી.’