02 October, 2024 09:26 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
કેવડિયા કૉલોની એકતાનગર ખાતે સરદાર સરોવર ડૅમ સંપૂર્ણ ભરાઈ જતાં નર્મદા નદીનાં નીરને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વધાવ્યાં હતાં.
ગુજરાતની જીવાદોરી નર્મદા નદી પરના સરદાર સરોવર ડૅમની જળસપાટી ૧૩૮.૬૮ મીટરે પહોંચતાં ડૅમ સંપૂર્ણ રીતે ભરાઈ જતાં ગઈ કાલે એકતાનગર ખાતે સરદાર સરોવર ડૅમ સાઇટ ખાતે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે નર્મદાનાં છલકાતાં નીરનું મંત્રોચ્ચાર વચ્ચે પૂજન કરીને વધામણાં કર્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ૧૦,૦૧૪ ગામો, ૧૮૩ શહેરો અને ૭ મહાનગરપાલિકા વિસ્તારોમાં ૪ કરોડ લોકોને પીવાનું પાણી આ ડૅમમાંથી જાય છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૧૭ની ૧૭ સપ્ટેમ્બરે સરદાર સરોવર ડૅમનું લોકાર્પણ કર્યું હતું એ પછી અત્યાર સુધીમાં આ ડૅમ પાંચ વાર એની મહત્તમ સપાટી સુધી ભરાયો છે. આ વર્ષે સરદાર સરોવર ડૅમમાં પાણી આવતાં ગુજરાતની જુદી-જુદી ૧૦ નદીઓમાં નર્મદા નદીનું પાણી વહેવડાવીને નદીઓને જીવંત કરવામાં આવી હતી.