અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના ગ્રીન બૉન્ડનું લિસ્ટિંગ

09 February, 2024 09:26 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

આમ કરનારી ગુજરાતની પહેલી પાલિકા : ૨૦૦ કરોડનાં ગ્રીન બૉન્ડ સામે ૧૩૬૦ કરોડનું ભરણું ભરાયું

અમદાવાદનાં મેયર પ્રતિભા જૈન, ડેપ્યુટી મેયર જતીન પટેલ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે બેલ વગાડીને બૉન્ડ લિસ્ટિંગ સંપન્ન કર્યું હતું.

અમદાવાદ : ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગઈ કાલે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના ૨૦૦ કરોડ રૂપિયાના મ્યુનિસિપલ ગ્રીન બૉન્ડનું બૉમ્બે સ્ટૉક એક્સચે‍ન્જમાં લિસ્ટિંગ કરાવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન આ પ્રકારે ગ્રીન બૉન્ડ લિસ્ટિંગ કરનાર ગુજરાતનું પ્રથમ મ્યુનિસિપલ કૉર્પોરેશન બનવાનું ગૌરવ મેળવ્યું છે. 

અમદાવાદનાં મેયર પ્રતિભા જૈન, ડેપ્યુટી મેયર જતીન પટેલ અને કૉર્પોરેશનના હોદ્દેદારો, અધિકારીઓની ઉપસ્થિતિમાં બેલ રિન્ગિંગ સેરેમનીમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે બેલ વગાડીને બૉન્ડ લિસ્ટિંગ સંપન્ન કર્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નેટ ઝીરોનું લક્ષ્ય સસ્ટેનેબલ અને એન્વાયર્નમેન્ટ ફ્રેન્ડ્લી ડેવલપમેન્ટ માટે આપ્યું છે. એને અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને ૨૦૦ કરોડ રૂપિયાના મ્યુનિસિપલ ગ્રીન બૉન્ડથી પાર પાડવાની પહેલ કરી છે. અમદાવાદમાં સ્યુએજ ગટરના પાણીનું શુદ્ધીકરણ કરીને ઉદ્યોગોને વપરાશ માટે આપવા ગ્રીન એનર્જી ઉત્પાદન તથા ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ સહિતના વિવિધ ગ્રીન પ્રોજેક્ટમાં અસરકારક કામગીરી માટે આ બૉન્ડ ઇશ્યુ બહાર પાડવામાં આવ્યો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનનો ‘એએ પ્લસ’ ક્રેડિટ રેટિંગ ધરાવતો આ ગ્રીન બૉન્ડ શરૂઆતની ચાર સેકન્ડમાં જ ૨૦૦ કરોડ રૂપિયાના બૉન્ડ સાઇઝ સામે ૪૧૫ કરોડ રૂપિયાનું સબસ્ક્રિપ્શન મેળવ્યું હતું અને બીડિંગ સમય પૂરો થવા સુધી જુદા-જુદા ૩૦ ઇન્વેસ્ટર તરફથી ૧૩૬૦ કરોડ રૂપિયાનું સબસ્ક્રિપ્શન થયેલું છે. આમ અમદાવાદ કૉર્પોરેશનનો ૨૦૦ કરોડ રૂપિયાનો ગ્રીન બૉન્ડ ૧૩.૬૦ ગણો ભરાયેલો છે. ગ્રીન બૉન્ડ લિસ્ટિંગ પ્રસંગે ગુજરાતના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના અગ્રસચિવ અશ્વિનીકુમાર, અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચૅરમૅન દેવાંગ દાણી, મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસન, ડેપ્યુટી કમિશનર (નાણાં વિભાગ) આર્જવ શાહ સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ તેમ જ માર્કેટના અગ્રગણ્યો ઉપસ્થિત રહ્યા હતા. 

national news gujarat news bhupendra patel gujarat government