ચંદ્રકાંત શાહ: ગુજરાતી રંગભૂમિને માઈલસ્ટોન સમા સર્જનો આપનાર કવિ-લેખકની દુનિયાના રંગમંચ પરથી ઍક્ઝિટ

04 November, 2023 02:25 PM IST  |  Ahmedabad | Karan Negandhi

‘ખેલૈયા’ (Khelaiya) અને ‘એવા મુંબઈમાં ચાલ જઈએ’ (Eva Mumbai Ma Chaal Jaiye) જેવા અદ્ભુત નાટકોની રચના કરનાર કવિ અને લેખક ચંદ્રકાંત શાહ (Chandrakant Shah) ઉર્ફ ચંદુ શાહનું અવસાન

ચંદ્રકાંત શાહ

‘ખેલૈયા’ (Khelaiya) અને ‘એવા મુંબઈમાં ચાલ જઈએ’ (Eva Mumbai Ma Chaal Jaiye) જેવા અદ્ભુત નાટકોની રચના કરનાર કવિ અને લેખક ચંદ્રકાંત શાહ (Chandrakant Shah) ઉર્ફ ચંદુ શાહનું અવસાન થયું છે. આજે અમદાવાદ ખાતે તેમનું અવસાન થયું છે. તેઓ કેન્સરથી પીડિત હતા અને છેલ્લા ઘણા સમયથી ગંભીર રીતે બીમાર હતા. ચંદ્રકાંત ભાઈ મૂળ કવિ હતા. તેમણે સૌ પ્રથમ ફેન્ટેસ્ટિક્સ નામનું મ્યૂઝિકલ ગુજરાતીમાં લખેલું જેનું નામ ‘ખેલૈયા’ રાખ્યું, જેના ગીતો અને નાટક બંને તેમણે લખેલા. આ એક અવિસ્મરણીય રચના હતી.‘અવાંતર’ નામ સાથે એક થિયેટર ગ્રુપ શરૂ થયું હતું, જેમાં પરેશ રાવલ, ફિરોઝ અબ્બાસ ખાન, ચંદ્રકાંત શાહ અને મહેન્દ્ર જોશી તેના ડિરેક્ટર હતા.

આ નાટકને અદ્ભુત સફળતા મળી અને તેણે ગુજરાતી રંગભૂમિ પર એક નવો ચીલો ચાતર્યો હતો. આ નાટક સાથે પૃથ્વી થિયેટરમાં ગુજરાતી નાટકો ભજવાવવાના શરૂ થયા. આ નાટક તાતા એક્સપેરિમેન્ટલ થિયેટરમાં પણ ભજવાયું. આ નાટકને દર્શકોનો એટલો બધો પ્રેમ મળ્યો કે શૉ એનાઉન્સ થતાં જ હાઉસફૂલ થઈ જતો અને રવિવારે સવારે વધુ એક શૉ મુકાતો. તેમણે નર્મદ વિશે પણ એક નાટક રચ્યું હતું અને તેઓ પોતે તેમાં નર્મદનો રોલ કરતાં હતા.

અભિનેતા અને લેખક પ્રણવ ત્રિપાઠી (Pranav Tripathi) ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરતાં કહે છે કે, “ચંદ્રકાંતભાઈના ગયાથી બહુ જીવ બળે છે. તેમની સાથે ઘણી બધી યાદો સમાયેલી અને સંકળાયેલી છે. બહુ ઓચિંતા મને આ સમાચાર મળ્યા છે. મારો અને ચંદ્રકાંત ભાઈનો નાતો ખૂબ જૂનો છે. ૧૯૯૦માં તેમણે લખેલા નાટક ‘એવા મુંબઈમાં ચાલ જઈએ’માં મેં અભિનય કર્યો હતો, જે વેસ્ટ સાઇડ સ્ટોરી નામના બ્રોડવેથી પ્રેરિત ગુજરાતી નાટક હતું. આ પહેલું બ્રોડવે સ્ટાઈલ નાટક હતું, જેમાં લાઈવ સિંગિંગ હતું અને તે યુએસએમાં બ્રોડવે ખાતે પણ ભજવવામાં આવ્યું હતું. ‘એવા મુંબઈમાં ચાલ જઈએ’માં તેમણે લખેલા ગીતો આજે પણ ગણગણું છું. આટલા મોટા સાહિત્યકાર હોવા છતાં તેમને અહમ નહતો. તેમની આત્મીયતા પ્રેરણાદાયી હતી.”

જાણીતા ડિરેક્ટર ફિરોઝ અબ્બાસ ખાન (Feroz Abbas Khan) ચંદ્રકાંત શાહ સાથે કામ કરવાના સંસ્મરણો વાગોળતાં કહે છે કે, “હું પરેશ રાવલ અને ચંદ્રકાંત શાહ ત્રણેય સાથે નરસી મોનજી કૉલેજમાં ભણતા હતા. ચંદ્રકાંત શાહ મારા સિનિયર, અમે કૉલેજમાં એકાંકી નાટકો કરતાં, ચંદ્રકાંત શાહ તેનો અનુવાદ કરતાં – આટલો જૂનો અમારો સંબંધ હતો. ચંદ્રકાંત ઉદાર અને ઉમદા સ્વભાવનો માણસ હતો અને જે પણ લખે/વાંચે તેમાં તત્પર હોય. તેની વિદાય ગુજરાતી રંગભૂમિ મોટી ખોટ છે.”

ગુજરાતી રંગભૂમિના જાણીતા ડિરેક્ટર મનોજ શાહ (Manoj Shah) કહે છે કે, “ચંદુ લેખક-કવિ બધુ પછી હતો, પહેલાં તે માણસ હતો. હમેશાં મદદ કરવા તત્પર રહે. ‘ખેલૈયા’ અને ‘એવા મુંબઈમાં ચાલ જઈએ’ જેવા અદ્ભુત સર્જનો કરનાર ચંદ્રકાંત, મારો અંગત મિત્રો. ગુજરાતી રંગભૂમિમાં નવો સુધારો લાવતું અને માઈલ્સટોન સમું નાટક ‘ખૂલમણિ’ અમે ૬-૭ વર્ષની મહેનતથી લખ્યું, ૧૩ વર્ષ રાહ જોયા બાદ આ નાટક ભજવાયું અને આ નાટક ગુજરાતી થિયેટરને નવી ઊંચાઈએ લઈ ગયું. આ નાટક ઘણા બધા ફેસ્ટિવલ્સમાં પણ ગયું અને તેમાં બધી કરામત ચંદુના ક્રાફ્ટની હતી. ગુજરાતી નાટકોમાં જે નવી લહેર આવી, નવી શબ્દાવલી આવી તેની પાછળ ચંદ્રકાંત શાહ હતા.”

જાણીતા લેખક અને પત્રકાર બકુલ ટેલરે (Bakul Tailor) જણાવ્યું કે, “ચંદ્રકાંત જોશીની કવિતા વિલક્ષી હતી. નાટકોના અદ્ભુત રૂપાંતરણ પણ તેમણે કર્યા, પરંતુ તેમણે આ કાર્ય એટલી સુંદર રીતે કર્યું હતું કે તે રૂપાંતરણ નહીં, પરંતુ મૌલિક રચના જ લાગે. ગીતકાર તરીકે તેમનું કામ ખૂબ જ વિશિષ્ટ છે.”

ચંદ્રકાંત શાહની કેટલીક અવિસ્મરણીય રચનાઓ:

આવાં જીન્સ

આપોને જીન્સ કોઈ આવાં

ક્યારે ન ધોવાં ન ક્યારે સુકાવાં

સાંધા હો સુખના ને શીતળ હો શેઇડ

સાથે કાટે ને થાય આપણી જ સાથે એ ફેઇડ

નવી નવી સ્ટઐલોના આપો વરતાવા

આપોને જીન્સ કોઈ આવાં

ક્યારે ન ધોવાં ન ક્યારે સુકાવાં

હોય નવાં ત્યારથી જ જૂનાં એ લાગે

જૂનાં થાતાં જ ફરી નવાં થઈ જાગે

સરનામું આપ પ્રભુ, ક્યાંથી મંગાવા

આપોને જીન્સ કોઈ આવાં

ક્યારે ન ધોવાં ન ક્યારે સુકાવાં

– ચંદ્રકાન્ત શાહ

હું માણસ છું કે?

આમ જગતમાં જીવું છું ને આમ જીવમાં ફફડું છું હું માણસ છું કે?

આમ સ્પંદનો ફાટફાટ ને આમ સાવ હું ખખડું છું હું માણસ છું કે ?

દરિયા જેવો કાયમ થાવા મર્ત્યલોકમાં નીકળ્યો, નીકળ્યો એક જનમથી બીજે

વાદળઘેલા કોઈ જનમની હજી કનડતી ઇચ્છાઓથી જીવતર લથબથ ભીંજે,

વર્તમાનમાં માણસનો હું વેશ ધરીને ભૂતકાળમાં રઝળું છું હું માણસ છું કે?

આમ ઊર્મિઓ ફાટફાટ ને આમ સાવ હું ખખડું છું હું માણસ છું કે ?

છાતી અંદર શ્વાસ થઈને કરે ઠકાઠક રોજ રોજનો લાંબો તીણો ખીલ્લો

હું પણ સહુની માફક ચણતો મારી ફરતે એકલતાનો રોજ નવો એક કિલ્લો

ફિલસૂફોનાં ટોળાં વચ્ચે એકલવાયો અવાજ લઈને રખડું છું હું માણસ છું કે?

ભાવભીનો હું ફાટફાટ ને આમ સાવ હું ખખડું છું હું માણસ છું કે ?

આમ જગતમાં જીવું છું ને આમ જીવમાં ફફડું છું હું માણસ છું કે ?

– ચંદ્રકાન્ત શાહ

રકાબી

રકાબી ફૂટી ગઈ

છેલ્લા ઘણા દિવસોથી થતું

રકાબી ફૂટી જશે

માણસ ફૂટી જાય એમ

છેવટે રકાબી ફૂટી ગઈ

જાણે

સઈઈઈઈડડડડડ કરતા Sexual overtone જેવા

ચાના સબડકા બોલાવતા માણસનું નસીબ ફૂટી ગયું

મૂછનો દોરો ફૂટે

કાચી ઉંમરે અવાજનો કોટો ફૂટે

પરીક્ષાનાં પેપર ફૂટે

વૃક્ષોને નવાં પાંદડાં ફૂટે

પાંદડાંને પંખીઓનો કલરવ ફૂટે

ઝીણા કૂણા ભીના ઘાસને ફગણો ફૂટે

રકાબીએ ફૂટી જવું જોઈએ એવું કોઈ કારણ

રકાબી પાસે નહોતું – કે નહોતું મારી પાસે

જીવનમાં ઘણી વસ્તુઓનું ફૂટી જવું

રકાબીના ફૂટવાથી વધારે સુખમય છે

એટલે

રકાબીના ફૂટી જવાથી

મારા અસ્તિત્વના ભીંગડાને

કોઈ ફરક પડતો નથી

રકાબીએ આમ એકાએક ફૂટી ન જવું જોઈએ.

રકાબી હમણાં ફૂટશે – નહિ ફૂટે – ક્યારેય નહિ

ફૂટશે તો ક્યારે ફૂટશે?

એવા આપણા રોજરોજના અજંપાનું શું?

એ અજંપાના નશાનું શું?

હું રકાબીને સાંધી શકું – રેણ મારી દઉં

ભલે પછી સંધોયલી રકાબીમાં

સઈઈઈડડડડડ કરીને Sexual સબડકા ન લેવાય

રકાબીને સાંધવાથી એમાં રકાબીપણું રહેતું નથી

ફૂટેલી રકાબી ધીમે ધીમે ભુલાઈ જાય છે–

ભૂલી જવા જેવા માણસોની જેમ

હું તો કહું છું

આ જગતની બધી રકાબીઓએ ફૂટી જવું જોઈએ

પછી

આપણે બધાએ ભેગા થવાનું – મળવાનું

એમાંથી થોડાઘણાએ

રકાબી ફૂટી જવાનું કારણ શોધવાનું

અને બાકીનાંઓએ

એને સાંધવાનું પ્રયોજન!

- ચંદ્રકાંત શાહ

ahmedabad gujarat news culture news