20 December, 2024 07:18 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ભોલાભાઈ ઉર્ફે યુનુસભાઈ નૂરમોહમ્મદભાઈ ગોલીબાર
ગુજરાતમાં હૉરર નવલકથા લખવાનો રેકૉર્ડ કરનાર અને ચક્રમ/ચંદન મૅગેઝિનના તંત્રી ભોલાભાઈ ઉર્ફે યુનુસભાઈ નૂરમોહમ્મદભાઈ ગોલીબારને ગઈ કાલે સાંજે હૉસ્પિટલમાં સિવિયર અટૅક આવતાં ૭૬ વર્ષની વયે તેઓ જન્નતનશીન થયા હતા. છેલ્લે સુધી લેખનકાર્ય ચાલુ રાખનાર ભોલાભાઈના અવસાનના સમાચારથી પરિવાર સહિત વિશાળ વાચકવર્ગમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.
ભોલાભાઈના પુત્ર મોહસિન ગોલીબારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બુધવારે સવારે પિતાજી નમાજ પઢવા જતા હતા ત્યારે ઘરમાં જ બ્રેઇન-સ્ટ્રોક આવતાં તેઓ પડી ગયા હતા એટલે તેમને તરત જ સારવાર માટે હૉસ્પિટલ લઈ ગયા હતા. તેમની સારવાર ચાલતી હતી એ દરમ્યાન ગઈ કાલે સાંજે તેમને સિવિયર અટૅક આવ્યો હતો. ખુદાની મરજી નહોતી અને તેમની ઉંમર ખુદાએ એટલી જ લખી હશે.’
ભોલાભાઈ ગોલીબારના પરિવારમાં તેમનાં પત્ની નજમાબહેન, ત્રણ દીકરા, એક દીકરી અને પૌત્ર-પૌત્રીઓ છે.