31 October, 2022 09:00 AM IST | Morbi | Rashmin Shah
મોરબીના મચ્છુ નદી પરનો પુલ તૂટી પડ્યો ત્યારની તસવીર છે સૌથી ઉપરની અને જમણેની જ્યારે એ પુલ તૂટ્યો એની થોડી ક્ષણ પહેલાંની જ તસવીર છે ડાબે
ગઈ કાલે મોડી સાંજે અંદાજે ૬.૧પ વાગ્યે મોરબીનો જગવિખ્યાત ઝૂલતો પુલ તૂટતાં ૪૦૦થી વધુ લોકો નીચેથી પસાર થતી મચ્છુ નદીમાં પડ્યા હતા. આ લખાય છે ત્યાં સુધી અંદાજે ૩૦૦ લોકોને બચાવી લેવાયા છે અને બચાવકાર્ય હજી ચાલુ છે. મરણાંકની બાબતે અલગ-અલગ આંકડા આવી રહ્યા છે, પણ એવી ધારણા મૂકવામાં આવે છે કે કમનસીબે ૬૦થી વધુ લોકોનાં મોત થયાં હશે. મોરબીના વિધાનસભ્ય બ્રિજેશ મેરજાએ કહ્યું કે ઝડપથી બચાવકાર્ય ચાલુ થઈ ગયું છે.
૧૮૭૯માં મુંબઈના ગવર્નર રિચર્ડ ટેમ્પલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવેલા આ ઝૂલતા પુલને ૬ મહિના પહેલાં જ બંધ કરવામાં આવ્યો હતો અને એનું બે કરોડ રૂપિયાના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું હતું. આ પુલની જવાબદારી મોરબીના ઓરેવા ટ્રસ્ટને સોંપાઈ હતી. નવા વર્ષે જ ખુલ્લો મૂકવામાં આવેલો આ પુલ જોવા માટે ગઈ કાલે રવિવારની રજાના દિવસે એ સ્તરે ભીડ એકત્રિત થઈ હતી કે એ દૃશ્ય જોનારાને પણ એવું લાગવા માંડ્યું હતું કે આ પુલ આટલી ભીડનો ભાર સહન નહીં કરી શકે અને બન્યું પણ એવું જ. પુલ પર ૪૦૦થી વધુ લોકો હતા એવા સમયે જ પુલ તૂટ્યો અને પુલ પર રહેલા લોકો પાણીમાં ખાબક્યા હતા. અનેક લોકોએ જીવ બચાવવા માટે પુલના દોરડાનો સહારો લીધો હતો, તો કેટલાક લોકો પુલ જે લાકડાથી બનાવવામાં આવ્યો હતો એનો ટેકો લઈને જાતને ટકાવીને જીવ બચાવવા માટે મથતા રહ્યા હતા.
મોરબી અને પાણી
૧૯૭૯ દરમ્યાન મોરબીનો મચ્છુ-બે ડેમ તૂટતાં મોરબીમાં પૂર-હોનારત સર્જાઈ હતી, એ પછી ગઈ કાલે ફરી એક વાર એવી જ હોનારત બની જેમાં લોકો પાણીમાં ખાબક્યા હતા. એને લીધે મોરબીની પૂર-હોનારત ફરી પાછી લોકોને યાદ આવી ગઈ હતી. ગઈ કાલે બનેલી ઘટનાના બચાવકાર્ય માટે રાજકોટથી રેસ્ક્યુ ટીમને બોલાવવામાં આવી હતી, પણ સાઠ કિલોમીટર દૂરના રાજકોટથી ટીમ પહોંચે ત્યાં સુધી મોરબીવાસીઓએ પોતે આખું રેસ્ક્યુ ઑપરેશન સંભાળી લીધું હતું. મોરબીના ભૂતપૂર્વ વિધાનસભ્ય કાન્તિ અમૃતિયા સારા તરવૈયા હોવાથી પોતે મચ્છુમાં કૂદી પડ્યા હતા, તો મોરબીના વિધાનસભ્ય અને પંચાયત-પ્રધાન એવા બ્રિજેશ મેરજાએ ત્યાં હાજર રહેલા અને સારા તરવૈયા હોય એવા સૌ યુવાનોને આહવાન કરીને મચ્છુમાં ઉતારી દીધા હતા, જેને લીધે ૧૦૦થી વધુ તરવૈયાઓ પાણીમાં ઊતરી ગયા હતા. આ ઉપરાંત મચ્છુ ફાયરબ્રિગેડ પણ ઝડપથી કામે લાગી ગઈ હતી, જેને કારણે મોટી જાનહાનિની સંભાવના ટળી ગઈ છે. અલબત્ત, રવિવાર અને દિવાળી વેકેશનનો છેલ્લો દિવસ હોવાથી પરિવાર સાથે આવેલા સહેલાણીઓમાંથી કોણે જીવ ગુમાવ્યા એ જાણવામાં ઓછામાં ઓછા ૧૨ કલાક લાગશે એવી ધારણા મૂકવામાં આવે છે.
મોરબીનો ઝૂલતો પુલ ૧૪૦થી પણ વધારે વર્ષ જૂનો છે
ઝૂલતા પુલ વિશે વાત કરીએ તો ૧૮૭૯ની ૨૦ ફેબ્રુઆરીએ મુંબઈના ગવર્નર રિચર્ડ ટેમ્પલના હસ્તે આ પુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. એ સમયે અંદાજે ૩.પ લાખ રૂપિયાના ખર્ચે ૧૮૮૦માં પૂલ પૂરો થયો હતો. મોરબીના રાજવી વાઘજી ઠાકોરની આગેવાનીમાં બનેલા આ પુલ માટે સામાન ઇંગ્લૅન્ડથી આવ્યો હતો. મોરબીના દરબારગઢથી નઝરબાગને જોડવા આ પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. હાલ આ ઝૂલતો પુલ મહાપ્રભુજીની બેઠક અને સમગ્ર સામા કાંઠા વિસ્તારને જોડે છે. મોરબીનો આ ઝૂલતો પુલ ૧૪૦થી પણ વધારે વર્ષથી જૂનો છે. આ પુલની લંબાઈ આશરે ૭૬પ ફુટ છે. માત્ર ગુજરાતના મોરબી જ નહીં, પણ સમગ્ર દેશ માટે આ ઝૂલતો પુલ ઐતિહાસિક વિરાસત માનવામાં આવતી હતી અને એ જ કારણે આ પુલને ફરીથી શરૂ કરવામાં આવ્યો હતો.
પુલ પર ફરવા માટે આવેલા લોકોનો કોઈ ચોક્કસ આંકડો ન હોવાથી ઘટનાનો ભોગ બનેલા લોકોનો સાચો આંકડો ૨૪ કલાક પછી જ મળે એવી સંભાવના છે.