મોટા માર્જિન સાથે સતત ચોથી વખત વિજય મેળવનારા C.R પાટીલને હવે મળી શકે છે પ્રધાનપદ

06 June, 2024 06:28 PM IST  |  Gujarat | Gujarati Mid-day Correspondent

સાતમી વખત જીતનાર મનસુખ વસાવાને પણ ફરી વાર કેન્દ્રીય પ્રધાનપદ મળી શકે

સી. આર. પાટીલ, મનસુખ વસાવા

ગુજરાતમાં નવસારી લોકસભા બેઠક પરથી સતત ચોથી વખત જંગી મતોના માર્જિનથી જ્વલંત વિજય મેળવનારા ગુજરાત ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલને કેન્દ્રની નવી સરકારમાં પ્રધાનપદ મળી શકે છે. બીજી તરફ ગુજરાતમાં સતત સાત વખત લોકસભાની ચૂંટણી જીતનારા BJPના જૂના જોગી મનસુખ વસાવાને પણ હાઈ કમાન્ડ ફરી વાર કેન્દ્રીય પ્રધાન બનાવી શકે છે.

સી. આર. પાટીલના ચાર વિજયોમાં ઉલ્લેખનીય બાબત એ બની છે કે તેઓ લોકસભાની જેટલી ચૂંટણી લડ્યા છે એમાં તેમના વિજયની લીડમાં સતત વધારો થતો ગયો છે. ૨૦૦૯ની લોકસભાની ચૂંટણીમાં સી. આર. પાટીલને ૧,૩૨,૬૪૩ મતોના માર્જિન સાથે વિજય મળ્યો હતો. ૨૦૧૪ની ચૂંટણીમાં ૫,૫૮,૧૧૬ મતોના માર્જિનથી તેમ જ ૨૦૧૯ની ચૂંટણીમાં ભારતમાં રેકૉર્ડબ્રેક ૬,૮૯,૬૮૮ મતોના માર્જિનથી તેમણે વિજય મેળવ્યો હતો, જ્યારે આ વખતે યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ૭,૭૩,૫૫૧ મતોના માર્જિનથી વિજય મેળવ્યો છે. 

બીજી તરફ બહુચર્ચિત ભરૂચ લોકસભા બેઠક પરથી BJPના મનસુખ વસાવાએ ૮૫,૬૯૬ મતોના માર્જિનથી વિજય મેળવ્યો છે. તેમણે સતત સાતમી વખત જીત મેળવી છે. તેઓ અગાઉ પ્રધાન રહી ચૂક્યા છે અને હાઈ કમાન્ડ તેમની સતત સાત જીતને નજર સમક્ષ રાખીને તેમ જ તેમના અનુભવને ધ્યાનમાં લઈને ફરી વાર પ્રધાન બનાવે એવી શક્યતા નકારી શકાય નહીં. 

gujarat news gujarat Lok Sabha Election 2024 Lok Sabha bharatiya janata party bharuch navsari