16 October, 2024 07:57 AM IST | Banaskantha | Gujarati Mid-day Correspondent
ગેનીબહેન ઠાકોર
ગુજરાતમાં ગેનીબહેન ઠાકોર લોકસભાની ચૂંટણી જીતી જતાં ખાલી પડેલી વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટેનું મતદાન ૧૩ નવેમ્બરે યોજાશે. પેટાચૂંટણીની તારીખ ગઈ કાલે જાહેરાત થતાં આજથી આ વિધાનસભા મતવિસ્તારમાં આચારસંહિતાનો અમલ કરાશે.
ભારતના મુખ્ય ચૂંટણી-કમિશનર રાજીવ કુમારે ગઈ કાલે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓની તારીખ જાહેરાત કરી હતી એની સાથે ગુજરાતની વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીની તારીખ પણ જાહેર કરી હતી. આ પેટાચૂંટણીની મતગણતરી ૨૩ નવેમ્બરે યોજાશે. વાવ વિધાનસભામાં ૩૨૧ પોલિંગ-સ્ટેશન છે. આ મતવિસ્તારમાં ૧,૬૧,૨૩૯ પુરુષ મતદાર, ૧,૪૯,૩૮૭ સ્ત્રી મતદાર અને વન-થર્ડ જેન્ડર મતદાર મળીને કુલ ૩,૧૦,૬૮૧ મતદાર છે.
કૉન્ગ્રેસનાં ગેનીબહેન ઠાકોર વાવ વિધાનસભાની ચૂંટણી જીત્યાં હતાં. જોકે લોકસભાની ચૂંટણીમાં તેમને ઉમેદવાર બનાવતાં તેઓ લોકસભાની ચૂંટણી જીતી ગયાં હતાં એટલે વિધાનસભા બેઠક પરથી તેમણે રાજીનામું આપતાં આ બેઠક ખાલી પડી હતી. વાવની બેઠક જીતવા માટે ભારતીય જનતા પાર્ટી (BJP) અને કૉન્ગ્રેસ એડીચોટીનું જોર લગાવીને ભરપૂર પ્રયાસ કરશે એ નક્કી છે.