ગુજરાત વિધાનસભામાં BJPએ પોતાના રેકૉર્ડમાં ઉમેરો કર્યો

06 June, 2024 06:58 PM IST  |  Gujarat | Gujarati Mid-day Correspondent

ગઈ ચૂંટણીમાં ૧૫૬નો​ વિક્રમ બન્યો હતો, હવે ૧૬૧ વિધાનસભ્યો થયા

ચિરાગ પટેલ, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ડૉ. ચતુરસિંહ ચાવડા, અર્જુન મોઢવાડિયા, અરવિંદ લાડાણી

લોકસભાની ચૂંટણી સાથે ગુજરાતમાં યોજાયેલી વિધાનસભાની પેટાચૂંટણીમાં પાંચ બેઠકો પર ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવારનો વિજય થતાં ગુજરાત વિધાનસભામાં BJPના વિધાનસભ્યોની સંખ્યા ૧૬૧ થઈ છે અને એની સાથે BJPએ પોતાનો જ રેકૉર્ડ બ્રેક કર્યો છે. 

ગુજરાત વિધાનસભામાં ૧૮૨માંથી BJPના કુલ સભ્યો ૧૬૧ થયા છે; જ્યારે કૉન્ગ્રેસના કુલ સભ્યો ૧૪, આમ આદમી પાર્ટીના ચાર અને બે અપક્ષ વિધાનસભ્યો છે. એક બેઠક ખાલી પડી છે.
BJPએ ગઈ વિધાનસભાની ચૂંટણીમાં ૧૫૬ બેઠકો જીતી એ સૌથી વધુ સીટો જીતવાનો રેકૉર્ડ હતો. BJPએ બીજી પાંચ બેઠકો પર વિજય મેળવતાં ગુજરાત વિધાનસભામાં એના કુલ ૧૬૧ વિધાનસભ્યો થયા છે અને પાર્ટીએ એનો જ રેકૉર્ડ બ્રેક કર્યો છે.

કૉન્ગ્રેસના ચાર અને એક અપક્ષ વિધાનસભ્ય વિધાનસભ્યપદેથી રાજીનામું આપીને BJPમાં જોડાયા પછી ગુજરાતમાં યોજાયેલી વિધાનસભાની પાંચ બેઠકોની પેટાચૂંટણીમાં પોરબંદર બેઠક પરથી અર્જુન મોઢવાડિયાનો, માણાવદર બેઠક પરથી અરવિંદ લાડાણીનો, વિજાપુર બેઠક પરથી ડૉ. સી. જે. ચાવડાનો, ખંભાત બેઠક પરથી ચિરાગ પટેલનો અને વાઘોડિયા બેઠક પરથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો વિજય થયો હતો. 

gujarat news gujarat Lok Sabha Election 2024 Lok Sabha bharatiya janata party Gujarat Congress congress