10 June, 2024 09:01 AM IST | Rajkot | Gujarati Mid-day Correspondent
પરસોત્તમ રૂપાલા
લોકસભાની ચૂંટણીમાં રાજકોટની બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા વિજયી થયા છે, પણ તેમનું નરેન્દ્ર મોદીની આગેવાનીની ત્રીજી સરકારના પ્રધાનમંડળમાંથી પત્તું કટ થઈ ગયું છે. ચૂંટણીના પ્રચાર વખતે પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને ઠેસ પહોંચે એવું નિવેદન કર્યું હોવાથી ભારે વિવાદ અને વિરોધ થયો હતો. ચૂંટણી દરમ્યાન ક્ષત્રિય સમાજે માત્ર રાજકોટમાં જ નહીં, રાજ્યભરમાં પણ વિરોધ કરીને BJP વિરુદ્ધની ભૂમિકા લીધી હતી. આ સિવાય પરસોત્તમ રૂપાલાના નિવેદનની અસર રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં પણ થવાથી અહીં BJPના ઉમેદવારોને નુકસાન થયું હોવાનું જણાઈ આવ્યું છે. આ બાબતને ધ્યાનમાં રાખીને પરસોત્તમ રૂપાલાને આ વખતે પ્રધાનમંડળમાં સ્થાન આપવામાં આવ્યું ન હોવાનું કહેવાય છે. ઉલ્લેખનીય છે કે અગાઉની કેન્દ્ર સરકારમાં પરસોત્તમ રૂપાલા કૅબિનેટ પ્રધાન હતા. તેઓ ૨૦૨૧માં મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી ખાતાના પ્રધાન હતા. મૂળ અમરેલી પાસેના ઈશ્વરિયા ગામના કડવા પટેલ સમાજના પરસોત્તમ રૂપાલા આ વખતની લોકસભાની ચૂંટણીમાં રાજકોટ બેઠકની ઉમેદવારી આપવામાં આવી હતી.