13 December, 2022 08:51 AM IST | Ahmedabad | Shailesh Nayak
ગઈ કાલે ગાંધીનગરમાં શપથવિધિ બાદ તમામ મંત્રીઓ ચૂંટણીમાં ઐતિહાસિક વિજય અપાવવા બદલ વડા પ્રધાનનો આભાર માની રહ્યા હોય એવુું આ તસવીર પરથી લાગે છે.
ભૂપેન્દ્ર પટેલની ૨.૦ સરકારમાં ૬ નવા ચહેરા સાથે ૧૬ પ્રધાનોનો સમાવેશ - ભૂપેન્દ્ર પટેલની સરકારના ૭ અને વિજય રૂપાણી સરકારના ૩ ભૂતપૂર્વ પ્રધાન સાથે કુલ ૧૦ પ્રધાનોને રિપીટ કરાયા - પ્રધાનમંડળમાં ૮ કૅબિનેટ પ્રધાન, ૨ રાજ્યકક્ષાના સ્વતંત્ર પ્રભાર ધરાવતા પ્રધાન અને ૬ રાજ્યકક્ષાના પ્રધાનોનો સમાવેશ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૧૫૬ બેઠક પર ઐતિહાસિક જીત મેળવીને ભવ્ય વિજય મેળવ્યા બાદ ગઈ કાલે ગાંધીનગરમાં સચિવાલય હેલિપૅડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી શપથવિધિમાં ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે સતત બીજી વખત ભૂપેન્દ્ર પટેલે શપથ લીધા હતા. ભૂપેન્દ્ર પટેલની ૨.૦ સરકારમાં ૬ નવા ચહેરા સાથે કુલ ૧૬ પ્રધાનોનો સમાવેશ કરાયો છે, જેમાં ભૂપેન્દ્ર પટેલની અગાઉની સરકારના ૭ અને વિજય રૂપાણી સરકારના ૩ ભૂતપૂર્વ પ્રધાનો સાથે કુલ ૧૦ પ્રધાનોને રિપીટ કરાયા છે, જેના પરથી લાગી રહ્યું છે કે ગુજરાતમાં બીજેપીની નવી સરકારમાં ભૂતપૂર્વ પ્રધાનો પર ભરોષો મૂકવામાં આવ્યો છે.
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભૂપેન્દ્ર પટેલને મુખ્ય પ્રધાન તરીકેના હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. આ ઉપરાંત રાજ્યપાલ સમક્ષ કૅબિનેટપ્રધાન તરીકે કનુ દેસાઈ, ઋષિકેશ પટેલ, રાઘવજી પટેલ, બળવંતસિંહ રાજપૂત, કુંવરજી બાવળિયા, મૂળુ બેરા, કુબેર ડિંડોર અને ભાનુબહેન બાબરિયાએ, જ્યારે રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલો ધરાવતા પ્રધાન તરીકે હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્માએ તેમ જ પુરુષોત્તમ સોલંકી, બચુ ખાબડ, મુકેશ પટેલ, પ્રફુલ્લ પાનસેરિયા, ભીખુસિંહ પરમાર અને કુંવરજી હળપતિએ હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલી શપથવિધિમાં મુખ્ય પ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત કૅબિનેટ કક્ષાના ૮, રાજ્યકક્ષાના સ્વતંત્ર પ્રભાર સાથે ૨ પદનામિત પ્રધાન અને ૬ પદનામિક પ્રધાનોએ રાજ્યકક્ષાના પ્રધાન તરીકે શપથ લીધા હતા.
ગુજરાતના નવા પ્રધાનમંડળમાં ૧૬ પ્રધાનોને સ્થાન મળ્યું છે, જેમાં અગાઉની ભૂપેન્દ્ર પટેલની સરકારના પ્રધાનો ઋષિકેશ પટેલ, રાઘવજી પટેલ, કનુ દેસાઈ, હર્ષ સંઘવી, જગદીશ વિશ્વકર્મા, મુકેશ પટેલ અને કુબેર ડિંડોરનો ફરી એક વાર સમાવેશ નવા પ્રધાનમંડળમાં થયો છે, જયારે વિજય રૂપાણી સરકારમાં પ્રધાન રહી ચૂકેલા પરષોત્તમ સોલંકી, બચુ ખાબડ અને કુંવરજી બાળવિયાનો પણ ફરી એક વાર નવી સરકારમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
શપથવિધિ સમારોહમાં કેન્દ્રીય પ્રધાનો રાજનાથસિંહ, સર્બાનંદ સોનેવાલ, પુષ્પતિ કુમાર પારસ, સ્મૃતિ ઈરાની, મનસુખ માંડવિયા, ભૂપેન્દ્ર યાદવ, પુરુષોત્તમ રૂપાલા, મહેન્દ્રનાથ પાંડે, ફગ્ગનસિંહ કુલસ્તે, દર્શના જરદોશ, દેવુસિંહ ચૌહાણ, ડૉ.મહેન્દ્ર મુંજપરા, રામદાસ આઠવલે, અનુપ્રિયા પટેલ ઉપરાંત મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ સિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ, ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કરસિંહ ધામી સહિત બીજેપીશાસિત અરુણાચલ, હરિયાણા, ગોવા, કર્ણાટક, ત્રિપુરા, મણિપુર અને આસામ રાજ્યના મુખ્ય પ્રધાનો, ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, ગુજરાત બીજેપીના પ્રદેશપ્રમુખ સી.આર.પાટીલ, વિવિધ સંપ્રદાયના સાધુ-સંતો, વિવિધ સમાજના અગ્રણીઓ, કલાકારો શપથવિધિ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.
બીજી વખત મુખ્ય પ્રધાન બન્યા બાદ ભૂપેન્દ્ર પટેલે સિમંધર સ્વામીના શરણે જઈ શીશ નમાવીને આશીર્વાદ મેળવ્યા હતા.