26 October, 2024 01:30 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
BJPના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર., કૉન્ગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત.
ઉત્તર ગુજરાતમાં વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (BJP)એ તેમના ઉમેદવાર બદલ્યા નથી અને ૨૦૨૨ની વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં જે ઉમેદવારને BJPએ ટિકિટ ફાળવી હતી તે જ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર પર વધુ એક વખત વિશ્વાસ મૂકીને તેમને ફરી પેટાચૂંટણીમાં ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે, જ્યારે કૉન્ગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને ચૂંટણી-મેદાનમાં ઉતાર્યા છે.
વાવ વિધાનસભા બેઠકનાં વિધાનસભ્ય ગેનીબહેન ઠાકોર લોકસભાની ચૂંટણી જીતી જતાં આ બેઠકની પેટાચૂંટણી જાહેર થઈ છે. ગઈ કાલે ઉમેદવારીપત્ર ભરવાના છેલ્લા દિવસ સુધીમાં કુલ ૨૧ ઉમેદવારે ઉમેદવારીપત્ર ભર્યાં છે. BJPએ એના જૂના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર પર ભરોસો મૂક્યો છે તો કૉન્ગ્રેસે ૨૦૧૯માં થરાદ બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી જીતેલા ગુલાબસિંહ રાજપૂત પર ઉમેદવારીનો કળશ ઢોળ્યો છે. ગુલાબસિંહ રાજપૂતે ગેનીબહેનને ચૂંટણી જિતાડવામાં ખાસ્સો સપોર્ટ કર્યો હતો.
કુલ ઉમેેદવાર
વાવ વિધાનસભાની પેટાચૂંટણી માટે ઉમેદવારી કરનાર ૨૧ ઉમેદવારમાં આઠ અપક્ષ તેમ જ કૉન્ગ્રેસના બે અને BJPના છ ઉમેદવારોએ ફૉર્મ ભર્યાં છે. જોકે ઉમેદવારીપત્રોની ચકાસણી બાદ ઉમેદવારીપત્ર પરત ખેંચવાના દિવસે જે-તે પક્ષે જાહેર કરેલા સત્તાવાર ઉમેદવાર સિવાયના પક્ષના અન્ય ઉમેદવારો તેમનાં ઉમેદવારીપત્રો પાછાં ખેંચી લેશે. જોકે માવજી પટેલે BJPમાંથી ફૉર્મ ભરવા ઉપરાંત અપક્ષ ઉમેદવાર તરીકે પણ ફૉર્મ ભર્યું છે જેને કારણે તેમણે બળવો કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.