31 October, 2024 12:56 PM IST | Gujarat | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઉત્તર ગુજરાતમાં વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના માવજી પટેલે અપક્ષ ઉમેદવાર તરીકે ભરેલું ફૉર્મ પરત ન ખેંચતાં આ પેટાચૂંટણી રસાકસીભરી બની રહેવાનાં એંધાણ વર્તાઈ રહ્યાં છે. એટલું જ નહીં, હવે મુખ્યત્વે BJP, કૉન્ગ્રેસ અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલ વચ્ચે સીધો ત્રિપાંખિયો ચૂંટણીજંગ ખેલાશે.
વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે ૨૧ ઉમેદવારોએ ફૉર્મ ભર્યાં હતાં. ગઈ કાલ સુધીમાં, ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની તારીખ સુધીમાં ૧૧ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી હતી જેના કારણે હવે આ બેઠક પર ૧૦ ઉમેદવાર વચ્ચે ચૂંટણી યોજાશે જેના માટે ૧૩ નવેમ્બરે મતદાન થશે. BJPએ તેના સત્તાવાર ઉમેદવાર તરીકે સ્વરૂપજી ઠાકોર જાહેર કર્યા છે, જ્યારે કાૅન્ગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને ચૂંટણીમેદાનમાં ઉતાર્યા છે. માવજી પટેલને મનાવી લેવા માટે BJPએ પ્રયત્ન કર્યા હતા, પરંતુ માવજી પટેલ માન્યા નથી. માવજી પટેલે ઉમેદવારી ફૉર્મ પરત ન ખેંચતાં આ પેટાચૂંટણી જીતવા માટે BJPએ વધુ મહેનત કરવી પડશે.