Biporjoy cyclone updates : ૧૯૯૮ના વાવાઝોડાની ભયાનકતા યાદ આવી

14 June, 2023 11:31 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

વાવાઝોડાની અસર કચ્છમાં વર્તાવાની શરૂ થઈ છે ત્યારે મુન્દ્રા તાલુકામાં દોઢ કિલોમીટરનો દરિયાકિનારો ધરાવતા લુણીના ગ્રામજનો ભૂતકાળને કેમ યાદ કરી રહ્યા છે?

કચ્છમાં દરિયાકિનારે આવેલું લુણી ગામ.

બિપરજૉય વાવાઝોડાની અસર કચ્છમાં વર્તાવાની શરૂ થઈ છે ત્યારે કચ્છના મુન્દ્રા તાલુકામાં દોઢ કિલોમીટરનો દરિયાકિનારો ધરાવતા લુણી ગામના રહેવાસીઓને ૧૯૯૮ના વાવાઝોડાની ભયાનકતા યાદ આવી ગઈ છે. જોકે હાલ તો સલામતીના ભાગરૂપે આ ગામમાંથી કોઈને દરિયાકિનારે જવા દેવામાં આવતા નથી અને પોલીસ-બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે. લુણી ગામના માછીમાર લતીફ માંજલિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા ગામે દોઢ કિલોમીટરનો દરિયાકિનારો છે. મુન્દ્રાથી અમારું ગામ માંડ દસેક કિલોમીટર દૂર છે. ગામમાં પાંચ હજારની વસ્તી છે અને આશરે ૯૦૦ જેટલા માછીમારો છે. વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે ત્યારે ડર તો અમને લાગે છે, કેમ કે ૧૯૯૮માં આવેલા વાવાઝોડામાં અમારી બધી બોટ નાશ થઈ ગઈ હતી. આ વાવાઝોડાએ અમને ૧૯૯૮માં આવેલા વાવાઝોડાની યાદ અપાવી છે. ગામવાસીઓને એ વાવાઝોડાની ભયાનકતા યાદ આવી ગઈ છે. એ વખતે ગામના ત્રણ જણ દરિયામાં ગરક થઈ ગયા હતા અને ગામમાં ઘણું નુકસાન થયું હતું. બિપરજૉય વાવાઝોડું આવી રહ્યું છે ત્યારે આ વખતે અમે સચેત થઈ ગયા છીએ. આ ઉપરાંત ગામમાં પોલીસ પણ આવી રહી છે અને બધાને સાવચેત રહેવા જણાવી રહી છે. વાવાઝોડાના પગલે ગામમાં વરસાદ પણ પડ્યો હતો.’

cyclone kutch Gujarat Rains Weather Update gujarat news ahmedabad