ડી-ડે હવે કદાચ શુક્રવારે : બિપરજૉયનો આતંક તાઉ-તેથી વધુ હોઈ શકે

13 June, 2023 09:00 AM IST  |  Ahmedabad | Rashmin Shah

‘બિપરજૉય’ની ગતિ ઘટતાં એનો લૅન્ડફૉલ કદાચ એકાદ દિવસ લંબાય

ફાઇલ તસવીર

છેલ્લા એક વીકથી વેધર ડિપાર્ટમેન્ટને ઊભા પગે રાખનારું સાઇક્લોન બિપરજૉય હજી પણ ઉત્તર-પશ્ચિમ તરફ ઢળતું હોવાથી શક્યતા એવી પણ છે કે લખપત કે એની આસપાસના રણમાં એનું લૅન્ડફૉલ થાય : જોકે એવું બને તો પણ બિપરજૉય ગુજરાતમાં આતંક તો મચાવશે જ

અરબી સમુદ્ર પર ઊભા થયેલા ડિપ્રેશનને કારણે સર્જાયેલું બિપરજૉય સાઇક્લોન સોમવારે સાંજે હવામાન વિભાગના રિપોર્ટ મુજબ પોરબંદરથી અંદાજે ૩૦૦ કિલોમીટર દૂર છે. જોકે હવે એની ગતિમાં ફરક પડ્યો છે, જે છેલ્લા ઑલમોસ્ટ ૩૬ કલાક દરમ્યાન સતત જોવા મળ્યું છે. ગતિ ઉપરાંત બિપરજૉય હજી પણ ધીમે-ધીમે ઉત્તર-પશ્ચિમ તરફ ઢળતું જતું હોવાથી એના લૅન્ડફૉલ માટે પણ છેલ્લા ૩૬ કલાકમાં અનેક પ્રકારનાં અનુમાન આવ્યાં છે. શનિવાર રાત સુધી એવી ધારણા મુકાતી હતી કે બિપરજૉયનો લૅન્ડફૉલ પોરબંદર-દ્વારકાની આસપાસ થશે તો એ પછી દિશા બદલાતાં કંડલાની આસપાસ એનું લૅન્ડફૉલ આવે એવી સંભાવના જોવામાં આવતી હતી, પણ ઉત્તર-પશ્ચિમ તરફ ઢળવાનું ચાલુ રહેતાં ત્યાર પછી નલિયાની આસપાસ એનો લૅન્ડફૉલ થાય એવું અનુમાન મૂકવામાં આવે છે. અલબત્ત, જો આ ઢોળાવ ચાલુ રહે અને ગતિ પણ અત્યારે છે એ જ રહે તો ગુજરાત હવામાન વિભાગનાં ડિરેક્ટર મનોરમા મોહંતીના કહેવા મુજબ શુક્રવાર વહેલી સવારે બિપરજૉય આઇનું લૅન્ડફૉલ જખૌ-લખપત થઈને આગળ વધશે અને રાજસ્થાનમાં દાખલ થશે.

ગુજરાત હવામાન વિભાગનાં ડિરેક્ટર મનોરમા મોહંતીએ કહ્યું કે ‘લાંબા સમય સુધી દરિયામાં રહેવાને કારણે બિપરજૉય વધારે પડતું તાકાતવાળું બન્યું છે. બની શકે કે એ બે વર્ષ પહેલાં આવેલા તાઉ-તે કરતાં વધારે નુકસાન પહોંચાડે.’

બિપરજૉય કેવી તાકાત ધરાવતું હશે એનો અંદાજ લેવા જેવો છે.

બે કિલોમીટરનો ફેલાવો

હા, બિપરજૉયનું કેન્દ્રબિંદુ એટલે કે એની આંખ બે કિલોમીટરનો ફેલાવો ધરાવે છે, જ્યારે સમગ્ર બિપરજૉય અંદાજે ૬૮૦ કિલોમીટરમાં ઘેરાવો ધરાવે છે. આ ઘેરાવો સૂચવે છે કે બિપરજૉય આવે એ પહેલાંથી જ એની આડઅસર દેખાવા માંડશે તો સાથોસાથ એવું પણ બને એવી તીવ્ર શક્યતા છે કે બિપરજૉયના લૅન્ડફૉલ પછી પણ એ ૩૬થી ૪૮ કલાક સુધી પોતાની આડઅસર દેખાડે. 
મનોરમા મોહંતીએ કહ્યું કે ‘બિપરજૉયને કારણે સમગ્ર ગુજરાતમાં વરસાદ પડશે, પણ ઉત્તર ગુજરાતમાં વધારે અસર જોવા મળી શકે છે; તો પોરબંદર, વેરાવળ, અમરેલી, કચ્છ, દ્વારકા, જામનગરમાં અતિભારે પવન સાથે ભારે વરસાદ પડશે.’

પોતાની સરકતી ચાલથી આગળ વધતું બિપરજૉય કચ્છમાં આવશે એટલું નક્કી થઈ જતાં કંડલા પોર્ટ સહિત કચ્છની ૧૦૦થી વધારે જગ્યાએ ગુજરાત સરકાર દ્વારા ઇન્ડિયન પીનલ કોડ ૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે; તો કચ્છ, પોરબંદર, વેરાવળ, દ્વારકા અને જામનગરમાં ૧૪ શેલ્ટર-હોમ શરૂ કરવામાં આવ્યાં છે.

આ વિસ્તારોમાંથી અત્યાર સુધી ૪૦,૦૦૦ લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે.

40
બિપરજૉય ત્રાટકી શકે છે એવા વિસ્તારોમાંથી આટલા હજાર લોકોનું અત્યાર સુધીમાં સ્થળાંતર કરાવવામાં આવ્યું છે

36-48
વાવાઝોડાના લૅન્ડફૉલ પછી પણ આટલા કલાક સુધી એની અસર જોવા મળશે

cyclone gujarat gujarat news Weather Update arabian sea Rashmin Shah