16 June, 2023 10:24 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
કચ્છ જિલ્લામાં ગઈ કાલે જખૌમાં બિપરજૉયને કારણે ભારે વરસાદ પડ્યો હતો (તસવીર : પી.ટી.આઇ.)
સોમનાથ મહાદેવ મંદિર, દ્વારકાનું જગતમંદિર, કચ્છમાં આવેલો મા આશાપુરાનો મઢ અને રાજકોટના ખોડલધામ મંદિર સહિત સૌરાષ્ટ્ર-કચ્છનાં ૧૦૦થી વધારે પૉપ્યુલર મંદિરો ગઈ કાલે બંધ રાખવાનો નિર્ણય બિપરજૉયને કારણે લેવામાં આવ્યો હતો, જેને આજે લંબાવવામાં આવ્યો અને આજે પણ મંદિર બંધ રાખવામાં આવશે. આ ઉપરાંત ગીરનાર અને પાવાગઢના રોપવેને પણ આજે બંધ રાખવામાં આવશે. ગુજરાતના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું કે ‘લોકોના હિતમાં જ એ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. લોકો તકેદારી રાખે અને સાથ-સહકાર આપે.’
પોરબંદર, કચ્છ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૭૦ ટકા વિસ્તારમાં પાવર સપ્લાય બંધ કરી દેવામાં આવી છે, તો આ ત્રણ જિલ્લામાં અંદાજે ૪૦૦૦થી વધારે વૃક્ષો પડ્યાં છે અને ૫૦૦૦થી વધારે વીજપોલ પડી ગયા છે.