વાવાઝોડાના ખતરા વચ્ચે ૨૪ બાળકોના જન્મથી ખુશી છવાઈ

16 June, 2023 10:49 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

મોરબી જિલ્લામાં એક પછી એક ૨૪ ડિલિવરી કરાવીને બાળકોનો જન્મ કરાવ્યો આરોગ્ય ટીમે : દરિયાકિનારે રહેતી મહિલાઓને વાવાઝોડાની ભયાનકતા વચ્ચે સ્ટાફે કરાવી સફળતાપૂર્વક ડિલિવરી

મોરબી જિલ્લાના ખાખરેચી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વાવાઝોડા વચ્ચે બાળકનો જન્મ થતાં માતા અને સ્ટાફ આનંદિત થઈ ઊઠ્યો હતો

સૌરાષ્ટ્ર-કચ્છમાં આવેલા ‘બિપરજૉય’ના ભારે તોફાની પવન વચ્ચે વાવાઝોડાથી અસરગ્રસ્ત મોરબી જિલ્લામાં એક પછી એક ૨૪ ડિલિવરી કરાવીને ડૉક્ટર સહિતના આરોગ્ય સ્ટાફે ૨૪ બાળકોનો જન્મ કરાવ્યો હતો. વાવાઝોડા વચ્ચે મોરબી જિલ્લામાં ૨૪ બાળકોના જન્મથી ખુશી છવાઈ ગઈ હતી. દરિયાકિનારે રહેતી મહિલાઓને પણ વાવાઝોડાની ભયાનકતા વચ્ચે સ્ટાફે સફળતાપૂર્વક ડિલિવરી કરાવતાં માતાઓના ચહેરા પર આનંદ દેખાતાં ડૉક્ટર સહિતના સ્ટાફે અપ્રિસિએશન ફીલ કર્યું હતું.

મોરબી જિલ્લાના માળિયા તાલુકાના ખાખરેચી ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તેમ જ મોરબી તાલુકાના ખરેડા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરાયેલી બે સગર્ભા મહિલાને બુધવારે મોડી રાતે સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક નૉર્મલ ડિલિવરી કરાવવામાં આવી હતી. માતા અને બાળક બન્નેની તબિયત તંદુરસ્ત છે. આ ઉપરાંત મોરબી જિલ્લામાં આવેલાં જુદાં-જુદાં આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરાયેલી સગર્ભા મહિલાઓ પૈકી ૨૪ મહિલાઓને આરોગ્ય સ્ટાફે ડિલિવરી કરાવી હતી અને વાવાઝોડા વચ્ચે પણ સફળતાપૂર્વક બાળકોનો જન્મ કરાવતાં આરોગ્ય સ્ટાફે રાહત સાથે હાશકારો અનુભવ્યો હતો.

મોરબી જિલ્લાના આરસીએચ ઑફિસર ડૉ. વિપુલ કારોલિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બુધવારે રાતથી લઈને ગઈ કાલે સાંજ સુધી જિલ્લા આરોગ્ય વિભાગના સ્ટાફે સફળતાપૂર્વક ૨૪ ડિલિવરી કરાવીને ૨૪ બાળકોનો જન્મ કરાવ્યો હતો. જેમની ડિલિવરી ૨૦ જૂન સુધી થવાની છે એવી ૧૧૦ સગર્ભા બહેનોને વાવાઝોડાને કારણે સલામતીના ભાગરૂપે અગાઉથી જ આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવી હતી. મોરબી જિલ્લાના દરિયાકાંઠે રહેતી સગર્ભા બહેનોને પણ દાખલ કરવામાં આવી હતી, જેથી બેબી-બર્થમાં કોઈ તકલીફ ન પડે. આ ૧૧૦ પૈકી જે સગર્ભા બહેનોની ડિલિવરીની તારીખ આવી ગઈ હતી એવી ૨૪ બહેનોની ડિલિવરી વાવાઝોડા વચ્ચે કરાવી છે, જેમાં દરિયાકાંઠે રહેતી પાંચ મહિલાઓની ડિલિવરી પણ કરાવી હતી. આ ૨૪ મહિલાઓની ડિલિવરી કોઈ પણ જાતની મુશ્કેલી વગર થતાં આરોગ્ય ટીમને શાંતિ થઈ છે અને નવજાત બાળકોને જોઈને ઘણો આનંદ છવાયો છે.’

તેમણે વધુમાં કહ્યું હતું કે ‘વાવાઝોડાની જે પરિસ્થિતિ ઊભી થઈ છે એની વચ્ચે અમારા માટે ખાસ વાત એ રહી છે કે પોતાના જન્મેલા બાળકને જોઈને માતાઓના ચહેરા પર અમને આનંદ દેખાયો એ અમારા બધા માટે સૌથી મોટું અપ્રિશિએશન હતું. વાવાઝોડા વચ્ચે આરોગ્ય ટીમ પણ કામમાં રોકાઈ છે એવા કપરા સમયમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓએ વાવાઝોડાની સિચુએશન વચ્ચે મનોબળ મક્કમ કરીને સગર્ભા મહિલાઓની ડિલિવરી સેફલી રીતે કરાવતાં આત્મસંતોષ થયો છે અને કૉન્ફિડન્સ પણ વધ્યો છે.’ 

cyclone cyclone biparjoy kutch gujarat gujarat news shailesh nayak