13 September, 2024 01:04 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ભૂપેન્દ્ર પટેલ
ગુજરાતમાં જેમને દાદાના હુલામણા નામથી લોકો પ્રેમથી બોલાવે છે એ ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકેનાં સુશાસનનાં ત્રણ વર્ષ પૂરાં કરીને આજે ચોથા વર્ષમાં પ્રવેશ કર્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અગાઉ ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે ગુજરાતમાં વિકાસની યાત્રા આરંભી હતી એને ભૂપેન્દ્ર પટેલ આગળ ધપાવી રહ્યા છે અને હવે તેમના નેતૃત્વમાં ગુજરાત દેશનું સેમિકન્ડક્ટર હબ અને રિન્યુએબલ હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે.
૨૦૨૧ની ૧૩ સપ્ટેમ્બરે તેમણે ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. ગુજરાતની જનતાની સેવાનાં ત્રણ વર્ષમાં ભૂપેન્દ્ર પટેલ અને તેમની ટીમ ગુજરાતે તમામ ક્ષેત્રોમાં વિકાસને વેગ આપ્યો છે. તેમના ત્રણ વર્ષના કાર્યકાળ દરમ્યાન ગુજરાત આત્મનિર્ભર પૉલિસી, ગુજરાત બાયોટેક્નૉલૉજી પૉલિસી, ગુજરાત સ્પોર્ટ્સ પૉલિસી, ડ્રોન પૉલિસી, ગુજરાત સેમિકન્ડક્ટર પૉલિસી, ગુજરાત રિન્યુએબલ એનર્જી પૉલિસી, સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ્સ ઍન્ડ ઇનોવેશન પૉલિસી સહિતની ૧૧ નવી નીતિઓ જાહેર થઈ છે. આ ઉપરાંત અર્નિંગ વેલ, લિવિંગ વેલના મંત્ર સાથે વિકસિત ગુજરાત ઍટ ધ રેટ ૨૦૪૭નો રોડમૅપ બનાવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. ગુજરાતમાં સફળતાપૂર્વક G20 બેઠકનું આયોજન થયું હતું. ગુજરાતની પ્રજા માટે તેમના શાસનમાં અનેકવિધ કાર્યો થયાં છે.