17 December, 2024 12:33 PM IST | Bhavnagar | Gujarati Mid-day Online Correspondent
અકસ્માત સ્થળનું નિરીક્ષણ કરી પરિસ્થિતિનો તાગ મેળવતા અધિકારીઓ (તસવીર સૌજન્ય: એક્સ)
Bhavnagar Road Accident: ભાવનગરમાંથી આજે વહેલી સવારે ખૂબ જ કરૂણ અકસ્માતની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. આજે વહેલી સાવરે જ ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ત્રાપજ ગામ પાસે આ ભીષણ રોડ એક્સિડન્ટ થયો હતો. ડમ્પર સાથે પ્રાઇવેટ ટ્રાવેલ્સની બસની ટક્કર થવાને કારણે આ અકસ્માતમાં ઘટના સ્થળે જ ૬ લોકોના મૃત્યુ થયા હતા. ભાવનગરથી મહુઆ જઇઓ રહેલી આ બસને અકસ્માત નડ્યો હતો. તે ઉપરાંત અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે. આ એક્સિડન્ટ એટલો ભીષણ હતો કે બંને વાહનોનાં કુચા થઈ ગયા હતા. ડમ્પર રેતીથી ભરેલું હતું. આ ડમ્પર ઉભેલું હતું ત્યારે પાછળથી આવનાર બસે આ વાહનને ટક્કર મારી હતી. પ્રાઇવેટ લકઝરી બસ ડમ્પરમાં ઘૂસી જતાં જ ચકચાર મચી જવા પામી હતી.
તળાજા સિએચસિનાં સિપરેટેન્ડેન્ટનું જે નિવેદન સામે આવ્યું છે તેમાં તેઓએ જણાવ્યું છે કે અહીંયા ૬ જેટલા મૃતદેહો (Bhavnagar Road Accident)ને લાવવામાં આવ્યા હતા. તે ઉપરાંત ૭-૮ જેટલા લોકોની સારવાર અત્યારે ચાલી રહી છે. ૧૦૮ મારફતે આ ઘટનામાં ૯ લોકોના મોત થયા હોવાની માહિતી મળી છે. કેટલાક ઘાયલોને ભાવનગરમાં પણ રિફર કરવામાં આવ્યા હતા. કેટલાક લોકોને પ્રાઇવેટ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.
એવી માહિતી સામે આવી છે કે આ એક્સિડન્ટમાં ૨૦ જેટલા લોકોને ગંભીર ઇજાઓ થઈ છે. ઘાયલોને (Bhavnagar Road Accident) હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસની ટીમ તરત જ આ સ્થળ પર પહોંચી ગઈ હતી અને તાબડતોબ ઘાયલોને બચાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. સ્થાનિક પોલીસની સાથે જ આ સ્થળ પર 108 એમ્બ્યુલન્સની ટીમ પણ આવી પહોંચતા તમામ ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં લઈ જવાની કામગીરી કરવામાં આવી હતી. જે જે લોકોને ગંભીર ઇજાઓ થઈ હતી તે તમામ લોકોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
આ ઘટના મામલે પોલીસ અધિક્ષક હર્ષદ પટેલે જણાવ્યું હતું કે જે બસને એક્સિડન્ટ નડ્યો છે તે બસ ભાવનગરથી મહુવા તરફ જઈ રહી હતી. લગભગ સવારે 6 વાગ્યે ત્રાપજ ગામ નજીક આ એક્સિડન્ટ થયો હતો. બસે ડમ્પર ટ્રકને પાછળથી ટક્કર મારી હતી.
બસનાં પતરાં કાપીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા
આ એક્સિડન્ટ (Bhavnagar Road Accident) એટલો ભયાવહ હતો કે બસનાં આગળનાં ભાગનો તો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. પોલીસ અને અન્ય રાહત ટીમે અસરગ્રસ્ત બસનાં પતરાં કાપી નાખ્યા હતા અને ત્યારબાદ તેમાંથી તમામ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા.
અત્યારે એવી માહિતી મળી રહી છે કે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. અને જે જે લોકોને ઇજાઓ થઈ છે તે તમામની સારવાર ચાલી રહી છે.