02 September, 2023 07:39 AM IST | Ahmedabad | Shailesh Nayak
સાળંગપુરમાં હનુમાનજીદાદાની વિરાટ પ્રતિમા પાસે બૅરિકેડ્સ લગાવી દીધાં છે.
અમદાવાદ : સ્વામીનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત અને સાળંગપુરમાં આવેલા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરના પરિસરમાં હનુમાનજીદાદાની વિરાટ પ્રતિમા નીચે લગાવેલી પૅનલોમાંની એક પૅનલમાં હનુમાનજીદાદાને પગે લાગતી એટલે કે નમસ્કારની મુદ્રામાં દર્શાવ્યા હોવાના મુદ્દે ઊઠેલો વિવાદ વકરતો જઈ રહ્યો છે અને ગુજરાતમાં ધર્મવિગ્રહ જેવી સ્થિતિનું નિર્માણ સર્જાઈ રહ્યું હોવાનું જણાઈ રહ્યું છે. હિન્દુ હોવા છતાં સનાતનધર્મીઓ અને સ્વામીનારાયણધર્મીઓ સામસામે આવી ગયા છે. સોશ્યલ મીડિયામાં સનાતનધર્મીઓ સામે સવાલ ઉઠાવવામાં આવ્યો છે અને હવે આ વિવાદ શાંત પડવાનું નામ નથી લેતો. બીજી તરફ કહેવાય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને નવી દિલ્હી ગઈ કાલે મળવા બોલાવ્યા તેની પાછળ આ વિવાદ છે. બંને વચ્ચે શું ચર્ચા થઈ એ વિશે કોઈ સ્પષ્ટતા નથી.
સાળંગપુરમાં હનુમાનજીદાદાને દાસ બતાવ્યા હોવાના મુદ્દે વિરોધ રોજેરોજ વધી રહ્યો છે ત્યારે કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં લઈને સાળંગપુરમાં હનુમાનજી મંદિરના પરિસરમાં પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. એટલું જ નહીં, પરંતુ સાળંગપુરમાં હનુમાનજીદાદાની વિરાટ પ્રતિમા પાસે બૅરિકેડ્સ મૂકીને પ્રતિમા નીચેની પૅનલ સુધી જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. વિવાદ પછી હનુમાનજીદાદાની પ્રતિમાનું સ્થળ જાણે કે હૉટ સ્પૉટ બની ગયું હોય એમ લોકો જોવા ઊમટી રહ્યા છે કે કઈ પૅનલમાં હનુમાનજીદાદાને પગે લાગતા બતાવ્યા છે.
વિવાદની વચ્ચે હવે સોશ્યલ મીડિયામાં સનાતનધર્મીઓ સામે સવાલો ઉઠાવવામાં આવ્યા છે. સોશ્યલ મીડિયામાં ફરી રહેલાં કેટલાંક પોસ્ટરોમાં શંકર ભગવાન સહિતના ભગવાનોના ફોટો નીચે લખાયું છે કે આમાં સનાતનીઓની લાગણી નથી દુભાતી? આનો વીડિયો નહીં બનાવે, કેમ કે ત્યાં તેમનું કંઈ ચાલે એમ નથી. આ પ્રકારે વિવાદ આગળ વધ્યો છે અને હિન્દુ ધર્મના જ સનાતનધર્મીઓ અને સ્વામીનારાયણધર્મીઓ વચ્ચે જાણે કે ધર્મવિગ્રહ જેવું વાતાવરણ ઊભું થયું છે.
બીજી તરફ વડતાલના નૌતમસ્વામીના નિવેદન બાદ ઋષિભારતી બાપુ, દ્વારકાના શંકરાચાર્યજી મહારાજ, વડોદરાના જ્યોતિર્નાથ બાપુ, બોટાદના પરમેશ્વર મહારાજ, ખેડાના વિજયદાસજી મહારાજ સહિતના સંતોમાં નારાજગી ફેલાઈ છે. સોમવારે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના પ્રમુખ સંતોની બેઠક મળે એવી જાણકારી મળી છે. આ બેઠકમાં બધાં પાસાંઓ વિચારીને કેવી રીતે આગળ વધવું એ મુદ્દે ચર્ચા થાય એવી શક્યતાઓ છે.
વડતાલના નૌતમસ્વામીનો એક વીડિયો વાઇરલ થયો છે. એમાં ખંભાતના પ્રવચનમાં નૌતમસ્વામીએ સભાને સંબોધતાં કહ્યું હતું કે ‘સ્વામીનારાયણ સંપ્રદાયની અંદર ક્યારેય કોઈ ભગવાનનું અપમાન કરવાનો કોઈનો પણ હેતુ નથી, છે નહીં અને હતો પણ નહીં. સ્વામીનારાયણ ભગવાન છે. તેમના કુળદેવ પણ હનુમાન મહારાજ છે. ભગવાન શ્રીરામચંદ્રજી, ભગવાન શ્રીકૃષ્ણનારાયણ, સ્વામીનારાયણ ભગવાન છે. સ્વામીનારાયણ ભગવાનની પણ શ્રી હનુમાનજી મહારાજે અનેક વાર સેવા કરી છે એ આખો સ્વામીનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ એનાથી ભરેલો છે. કોઈને એનાથી વ્યક્તિગત નાના-મોટા પ્રશ્નો હોય તો તે યોગ્ય ફોરમ પર જઈને વાત કરી શકે છે. કેટલાક લોકો આના સંદર્ભમાં કોર્ટમાં ગયા છે તો એની અંદર કોર્ટમાં એનો યોગ્ય જવાબ આપવો પડશે. સામાન્ય નાના-મોટા માણસોને જવાબ આપવાની સંપ્રદાયની કોઈ વ્યક્તિએ જરૂર નથી.’
નૌતમસ્વામીના આ નિવેદન બાદ ઋષિભારતી બાપુએ મીડિયા સમક્ષ કહ્યું હતું કે ‘સનાતન ધર્મનાં દેવી-દેવતાને સ્વામીનારાયણના દાસ બનાવવાની જે પરંપરા ખોટી ઊભી કરી છે એની સામે સંતો સાથે બેસીને પ્રથમ શાંતિપૂર્ણ પ્રયાસ કરીશું. જો એ ન થાય અને સ્વામીનારાયણના સંત એમ કહેતા હોય કે અમે કોર્ટમાં જઈશું તો સનાતન ધર્મના સંતો પણ તમને કોર્ટમાં ચૅલેન્જ કરશે. જો તમે શાંતિનો માર્ગ અપનાવશો તો શાંતિની વાતો થશે.’
વડોદરાના જ્યોતિર્નાથબાપુ સહિતના સાધુસંતોએ વડોદરાની કલેક્ટર કચેરીમાં જઈને રજૂઆત કરી હતી. જ્યોતિર્નાથબાપુએ મીડિયાને કહ્યું હતું કે ‘સનાતન ધર્મ પર કુઠારાઘાત કરો છો એ ચલાવી લેવાય એમ નથી. સમાજને ગેરમાર્ગે દોરનારી પ્રણાલી છે એની સામે વિરોધ છે અને રહેશે.’
બોટાદના પરમેશ્વર મહારાજે મીડિયાને કહ્યું હતું કે ‘આ સીતારામના હનુમાનજીદાદા છે. જો નહીં સુધારો આવે તો અમે કેસ કરીશું અને શસ્ત્ર ઉઠાવવા પણ તૈયાર છીએ.’
ભૂપેન્દ્રભાઈને કેમ નરેન્દ્રભાઈનું તેડું?
ગઈ કાલે નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ.