28 May, 2023 10:55 AM IST | Ahmedabad | Shailesh Nayak
સુરતમાં શુક્રવારે યોજાયેલા દરબારમાં પોતાની આગવી સ્ટાઇલમાં ભાવિકોનું અભિવાદન કરી રહેલા ધીરેન્દ્ર શાસ્ત્રી
શ્રદ્ધા કહો કે અંધશ્રદ્ધા કે શુકન કહો કે અપશુકન, પણ કોઈ મહાનુભાવ બાય ઍર અંબાજી જતા નથી ત્યારે આજે વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં અંબેમાતાજીના મંદિરે દર્શન કરવા આવી રહેલા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને પણ આજે હેલિકૉપ્ટરમાં બેસાડી સીધા અંબાજી નહીં લઈ જવાય, પરંતુ દાંતા ખાતે હેલિકૉપ્ટરમાંથી ઉતારીને પછી બાય રોડ અંબાજી લઈ જવામાં આવશે.
વર્ષોથી અંબાજીનો આ એક ઇતિહાસ રહ્યો છે કે કોઈ પણ વી.વી.આઇ.પી., મહાનુભાવો હેલિકૉપ્ટરમાં બેસીને સીધા અંબાજીમાં ઊતરતા નથી, પણ અંબાજી નજીક દાંતા હેલિપૅડ પર ઊતરીને રોડ માર્ગે અંબાજી જાય છે અને માતાજીના મંદિરે દર્શન કરે છે. શુભ કે અશુભ જે કઈ પણ ગણવામાં આવતું હોય, પણ વર્ષોથી આ સિલસિલો રહ્યો છે કે અંબાજીમાં બાય હેલિકૉપ્ટરનો પ્રવાસ કોઈ મહાનુભાવ કરતા નથી. ગુજરાતના પ્રવાસે આવેલા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનું અંબાજી ખાતે પ્રવાસનું આયોજન કરાયું છે. આજે સવારે સુરતથી બાય ઍર ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદ આવશે અને અમદાવાદથી હેલિકૉપ્ટર દ્વારા અંબાજી પાસે આવેલા દાંતા હેલિપૅડ પર જશે અને ત્યાંથી કારમાં બેસીને અંબાજી મંદિર પહોંચશે એવું શિડ્યુલ જાહેર થયું છે. ધીરેન્દ્ર શાસ્ત્રી અંબાજી મંદિરમાં ભાવપૂર્ણ રીતે શીશ નમાવી દર્શન કરીને પૂજા-આરતી કરશે. ત્યાર બાદ તેઓ અંબાજીનો પ્રસાદ લઈને અમદાવાદ આવશે.
સુરતમાં ગઈ કાલે ધીરેન્દ્ર શાસ્ત્રીએ હોટેલમાં દાતાઓ સાથે બેઠક કરી હતી અને ત્યાર બાદ વેસુ વિસ્તારમાં આવેલા શ્યામ મંદિરની મુલાકાત લીધી હતી.