midday

ઑલિમ્પિક્સ વર્લ્ડ વિન્ટર ગેમ્સમાં ગુજરાતની બે મનોદિવ્યાંગ ખેલાડી ફ્લોરબૉલમાં જીતી બ્રૉન્ઝ મેડલ

02 April, 2025 03:08 PM IST  |  Gandhinagar | Gujarati Mid-day Correspondent

ગુજરાતના મહેસાણા જિલ્લાના કામલી ગામની આશા ઠાકોર અને દાહોદ જિલ્લાના લીમખેડાની પિન્કલ ચૌહાણે ફ્લોરબૉલમાં ૧૬થી ૨૧ વર્ષના એજ-ગ્રુપમાં ટીમ ઇવેન્ટમાં ભાગ લીધો હતો
ફ્લોરબૉલમાં બ્રૉન્ઝ મેડલ જીતનાર આશા ઠાકોર અને પિન્કલ ચૌહાણ.

ફ્લોરબૉલમાં બ્રૉન્ઝ મેડલ જીતનાર આશા ઠાકોર અને પિન્કલ ચૌહાણ.

તાજેતરમાં ઇટલીમાં આયોજિત સ્પેશ્યલ ઑલિમ્પિક્સ વર્લ્ડ વિન્ટર ગેમ્સમાં ગુજરાતની બે મનોદિવ્યાંગ ખેલાડી આશા ઠાકોર અને પિન્કલ ચૌહાણે ફ્લોરબૉલમાં બ્રૉન્ઝ મેડલ જીતીને ગુજરાત સહિત દેશનું નામ રોશન કર્યું છે.

૨૦૨૫ની ૮થી ૧૫ માર્ચ દરમ્યાન ઇટલીના તુરિનમાં સ્પેશ્યલ ઑલિમ્પિક્સ વર્લ્ડ વિન્ટર ગેમ્સ યોજાઈ હતી. આ ગેમ્સમાં ભારતના ૩૦ ઍથ્લીટ્સે જુદી-જુદી રમતોમાં ભાગ લીધો હતો, જેમાં ગુજરાતના મહેસાણા જિલ્લાના કામલી ગામની આશા ઠાકોર અને દાહોદ જિલ્લાના લીમખેડાની પિન્કલ ચૌહાણે ફ્લોરબૉલમાં ૧૬થી ૨૧ વર્ષના એજ-ગ્રુપમાં ટીમ ઇવેન્ટમાં ભાગ લીધો હતો અને એમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. સ્પેશ્યલ ઑલિમ્પિક્સ, ગુજરાત ચૅપ્ટરના સ્પોર્ટ્સ ડિરેક્ટર તુષાર જોગલેકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આશા ઠાકોર અને પિન્કલ ચૌહાણની ટીમે યુક્રેન, ટ્રિનિડૅડ, ટબૅગો અને બંગલાદેશ સામે લીગ મૅચ રમી હતી અને પૉઇન્ટના આધારે તેમણે બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો.’

ઉલ્લેખનીય છે કે આ બન્ને ખેલાડીઓ ૨૦૧૦થી ગુજરાત સરકાર દ્વારા આયોજિત સ્પેશ્યલ ખેલ મહાકુંભમાં ભાગ લે છે અને વિજેતા બને છે.

gujarat Olympics winter olympics italy news sports news sports gujarat news