11 February, 2025 12:25 PM IST | Vadodara | Gujarati Mid-day Correspondent
વડોદરામાં સ્વાદના શોખીનોએ નાગલીના રોટલા અને રીંગણાના શાક પર પસંદગી ઉતારીને ખાધાં હતાં.
વડોદરામાં આવેલા અંબાલાલ પાર્ક ગરબા ગ્રાઉન્ડમાં યોજાયેલા મિલેટ મહોત્સવમાં સ્વાદના શોખીનોને મિલેટ્સની વાનગીઓનો સ્વાદ દાઢે વળગ્યો હતો. ખાણી-પીણીના સ્ટૉલ્સ હતા જેમાં ડાંગ સહિતના વિસ્તારોમાંથી આવેલી મહિલાઓ ગરમાગરમ રસોઈ બનાવી રહી હતી. ડાંગના સુબીર તાલુકા ફાર્મર ફ્રેન્ડ્સ ઑર્ગેનિક કો-ઑપરેટિવ મંડળી સહિતના સ્ટૉલમાં નાગલીના રોટલા અને રીંગણાના શાકની થાળી, મગની દાળ, લીલા મરચાં, લસણની ચટણીએ ટેસડો પાડી દીધો હતો. સહેલાણીઓમાં મિલેટ ધાન્ય નાગલીના રોટલા અને રીંગણાના શાક ડિમાન્ડમાં રહ્યાં હતાં જેના કારણે માત્ર બે દિવસમાં જ એક લાખ રૂપિયાના નાગલીના રોટલા અને રીંગણાના શાકનું વેચાણ થયું હતું.
ગરમાગરમ રોટલા બનાવી રહેલી મહિલાઓ.
વડોદરાના મિલેટ મહોત્સવમાં ૧૭ જેટલા લાઇવ ફૂડ સ્ટૉલ તેમ જ ૬૨ પ્રાકૃતિક ખેત-પેદાશોના સ્ટૉલ્સ હતા જેમાં મિલેટ્સ પ્રદર્શનમાં મૂકીને સ્વાસ્થ્ય માટે મિલેટ્સ કેટલાં ઉપયોગી છે એ સહિતની જાણકારી આપી હતી જેના કારણે હેલ્થ-કૉન્સિયસ વડોદરાવાસીઓએ બે દિવસમાં જ ૨૮ લાખ રૂપિયાથી વધુનાં મિલેટ્સ ખરીદ્યાં હતાં. બે દિવસમાં ખેડૂતોનાં ધાન્ય વેચાતાં તેઓમાં ખુશી ફેલાઈ ગઈ હતી.