06 October, 2024 09:44 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
અનુપમસ્વરૂપ સ્વામી
આદ્યશક્તિ જગદજનનીના નવરાત્રિ પર્વનો આનંદ-ઉલ્લાસ સાથે પ્રારંભ થયો છે અને કરોડો માઈભક્તો શક્તિની ભક્તિ, આરાધના, અનુષ્ઠાન કરી રહ્યા છે એવા સમયે અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા સ્વામીનારાયણ ગુરુકુળના અનુપમસ્વરૂપ સ્વામીએ નવરાત્રિ વિશે યુટ્યુબ પર વિડિયો અપલોડ કરીને વિવાદિત બયાન કર્યું છે કે માતાજીની પૂજાના નહીં, વાસનાના પૂજારીઓની પૂજાના દિવસ આવ્યા છે. સ્વામીના આવા વિવાદાસ્પદ નિવેદન બાદ સંતો સહિત હિન્દુ સમાજમાં રોષ ફેલાયો છે.
અનુપમસ્વરૂપ સ્વામીએ અપલોડ કરેલા વિડિયોમાં તેઓ નવરાત્રિ સંદર્ભે કહી રહ્યા છે, ‘નવરાત્રિ કે લવરાત્રિ? અરે ઓ ગુજરાતીઓ, તમારા પ્રિય તહેવાર નવરાત્રિને લોકો શું કહે છે ખબર છે? કોઈ કહે છે કે આ નવરાત્રિ નહીં, લવરાત્રિ છે. કોઈ વળી એમ કહે છે કે ૯ દિવસનો નાઇટ ફૅશન શો છે, એથી વિશેષ કશું નથી. કોઈ વળી એમ કહે છે કે માતાજીના પૂજાના નહીં, વાસનાના પૂજારીઓની પૂજાના દિવસો આવ્યા છે. તો વળી કોઈ એમ કહે છે કે ભોળીભાળી દીકરીઓને બગાડવાનું જાહેર આમંત્રણ અને એ પણ લીગલ નોટિસ સાથે. અરે હદ તો ત્યારે થઈ જ્યારે મેં આ વાંચ્યું, પોસ્ટ હતી કે સમાજનું સૌથી મોટું દૂષણ એટલે છૂટાછેડા. તો એ છૂટાછેડા થવાનું મુખ્ય કારણ શું હોઈ શકે? પરંતુ એમાં કોઈકે લખ્યું કે નવરાત્રિને કારણે પણ છૂટાછેડા થાય છે. ટિકિટના ભાવ ઊંચા લેવાનું એક સાધન ગણીને ભૂખ્યા ભેડિયાઓની વચ્ચે જેમ સસલાને રમતું મૂકવામાં આવે એમ ગરબે રમાડવામાં આવે છે. હાલના સમયમાં લજ્જા અને શરમ તો સાવ ગઈ અને પહેરવેશના નામે ફક્ત ને ફક્ત બસ અંગપ્રદર્શન જ રહ્યાં. ગરબાના આયોજનમાં રાતે ૧૨ કે સાડાબાર પછી ખરેખર ગરબા બંધ કરી દેવા જોઈએ. કારણ કે સાચા અર્થમાં ગરબા ૧૨ વાગ્યા સુધી જ ગવાતા હોય છે, બાકી પછી તો ફક્ત મનોરંજન જ થતું હોય છે.’
નવરાત્રિ માટે અનુપમસ્વરૂપ સ્વામીના આ પ્રકારનાં નિવેદનોને કારણે વિવાદનો વંટોળ ઊઠ્યો છે તથા સંતો તથા અને હિન્દુ સમાજમાં આક્રોશની લાગણી પ્રવર્તી રહી છે. મીડિયામાં ઘણા સંતો અને બાપુઓએ કહ્યું હતું કે ‘આ તો વિનાશકાળે વિપરીત બુદ્ધિ છે. તેઓ સમસ્ત નારીશક્તિનું અપમાન કરી રહ્યા છે. સ્વામી બોલ્યા છે એ બિલકુલ ખોટી રીતે બોલ્યા છે. એક સંત તરીકે લવરાત્રિ શબ્દ જ તેમને શોભે નહીં.’
આ વિવાદિત નિવેદનના મુદ્દે ‘મિડ-ડે’એ જ્યારે અનુપમસ્વરૂપ સ્વામીનો સંપર્ક કર્યો ત્યારે તેમણે કહ્યું કે ‘હું યુટ્યુબ ચૅનલ ચલાવું છું જેમાં મેં નવરાત્રિ સંદર્ભે જૂની નવરાત્રિ અને હાલની નવરાત્રિ ડિફરન્ટ છે એ વિશે કહ્યું છે. સાત્ત્વિકતાથી નવરાત્રિ ઊજવાય તો એ નવરાત્રિ છે એ ઉદાહરણ સાથે વાત કરી હતી. નવરાત્રિના ત્રણ-ચાર દિવસ પહેલાં આ વિડિયો અપલોડ કર્યો હતો. સારા લોકો માટેની એ વાત જ નહોતી. જેઓ માતાજીના પર્વને શ્રદ્ધા-ભક્તિભાવ સાથે ઊજવે છે તેમને નમન કરીએ છીએ; પણ જે દૂષિત કરવા માટેના પ્રયત્ન કરે છે, બહેન-દીકરીઓને ખરાબ નજરથી જોવાના પ્રયત્ન કરે છે. એના વિશેની વાત છે. આસુરી તત્ત્વો પોતાનું કામ કરી જતાં હોય તો એને માટે સાચવવું જોઈએ, જાળવવું જોઈએ, મર્યાદામાં રહેવું જોઈએ. બહેનો, દીકરીઓ, માતાઓ મર્યાદામાં હશે તો સેફ રહેશે અને એમાં તેમની સેફ્ટી છે, નહીંતર નથી એ વાત મેં મૂકી છે.’