01 March, 2024 11:14 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વીડિયોમાંથી સ્ક્રીનશૉટ
Anant-Radhika Pre-Wedding : મુકેશ અંબાણી તેમના સમગ્ર પરિવાર સાથે જામનગરમાં છે. ત્યાં તેમના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ માટે એક ભવ્ય કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ ફંક્શન આજથી એટલે કે 1 માર્ચથી શરૂ થયું છે અને 3 માર્ચ સુધી ચાલશે. હાલમાં ગુજરાતના જામનગરમાં બિલ ગેટ્સ, પોપ સિંગર રીહાન્ના, માર્ક ઝુકરબર્ગ સહિત અનેક આંતરરાષ્ટ્રીય હસ્તીઓ હાજર છે. આ સિવાય ફિલ્મ ઈન્ડસ્ટ્રીના તમામ મોટા સ્ટાર્સ પણ જામનગરમાં એકઠા થયા છે. આ સમયગાળા દરમિયાન અંબાણી પરિવારે મહેમાનોના રહેવા માટે ખાસ વ્યવસ્થા કરી છે.
અગાઉ એવા સમાચાર હતા કે અંબાણી પરિવારે તેમના તમામ સેલિબ્રિટી મહેમાનોને ટેન્ટમાં રહેવાની વ્યવસ્થા કરી છે અને આ સત્ય છે. જોકે આ તમામ ટેન્ટ જેવા આવાસ ફાઈવ સ્ટાર હોટલ જેવા છે. ભૂતપૂર્વ બેડમિંટન ખેલાડી સાયના નેહવાલે એક વીડિયો શેર કર્યો છે જેના દ્વારા તમે સેલિબ્રિટીઓ જ્યાં રોકાયા છે તે સ્થળની અંદર જોઈ શકો છો.
રાધિકા-અનંતના પ્રી-વેડિંગ વેન્યુનો વીડિયો વાયરલ થયો છે
સાઈના નેહવાલે તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોના કેપ્શનમાં તેણે લખ્યું, `પરફેક્ટ અંબાણી વેડિંગ.` સાઇના નેહવાલે તે જગ્યાનો વીડિયો શેર કર્યો છે જ્યાં સેલિબ્રિટી મહેમાનોના રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ તમામ ટેન્ટ નજીકમાં જ લગાવવામાં આવ્યા છે અને અહીં તમને સંપૂર્ણ દેશી સ્ટાઈલ જોવા મળશે.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે સાઈના પહેલા ટેન્ટની બહાર ડાન્સ કરે છે અને પછી અંદરનો આખો નજારો બતાવે છે. અંદર એક ડ્રોઈંગ રૂમ, બેડ રૂમ અને એક નાનો રૂમ બનાવવામાં આવ્યો છે. સોફા, બેડ, ટીવી, ડ્રેસિંગ ટેબલ, સારી બેઠક વ્યવસ્થા, એસી સહિતની અનેક સુવિધાઓ ટેન્ટમાં ઉપલબ્ધ છે. આ વીડિયો જોઈને તમે સમજી શકશો કે ટેન્ટની અંદરની વ્યવસ્થા ફાઈવ સ્ટાર હોટલ જેવી જ છે.
જાણકારી માટે નોંધવું રહ્યું કે 1 થી 3 માર્ચ સુધી પોપ સિંગર રિહાન્ના, માઇક્રોસોફ્ટના માલિક બિલ ગેટ્સ, ફેસબુકના માલિક માર્ક ઝુકરબર્ગ સહિત આંતરરાષ્ટ્રીય સેલિબ્રિટીઓ જામનગરમાં હાજર રહેશે. આ સિવાય આખું બોલિવૂડ અનંત-રાધિકાના પ્રી-વેડિંગમાં પહોંચી ગયું છે. શાહરૂખ ખાન પોતાના આખા પરિવાર સાથે અહીં પહોંચ્યો છે.