મારી પત્નીએ કહ્યું કે મારા ફોનમાં પેમેન્ટ કરવા માટેની સિસ્ટમ નખાવો, શાકવાળી બહેનો હવે પૈસા લેતી નથી

28 February, 2024 09:09 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

ડિજિટલ ઇન્ડિયાના વ્યાપની વાત કરતાં દેશના ગૃહપ્રધાને ગુજરાતમાં આપ્યું આવું ઉદાહરણ

કલોલમાં સ્વામીનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ ઍન્ડ રિસર્ચના ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેલા કેન્દ્રીય પ્રધાન અમિત શાહ અને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ.

અમદાવાદ :ઉત્તર ગુજરાતના કલોલમાં ગઈ કાલે સ્વામીનારાયણ વિશ્વમંગલ ગુરુકુળના વાર્ષિક મહોત્સવ અને મેડિકલ કૉલેજના ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેલા કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહે ડિજિટલ ઇન્ડિયાની વાતને લઈને પોતાની પત્ની અને શાકભાજીવાલી બહેનોનું ઉદાહરણ આપ્યું હતું અને નાના ધંધા-રોજગારવાળી વ્યક્તિઓ સુધી પહોંચેલી ડિજિટલ પેમેન્ટની વાતની કરી સરાહના કરી હતી. અમિત શાહે ડિજિટલ ઇન્ડિયાની વાત કરતાં કહ્યું કે ‘શાકભાજીવાળી બહેન તેની લારી પર કાર્ડ લઈને બેસે છે અને કહે છે કાર્ડથી પેમેન્ટ કરો, ફોનથી પેમેન્ટ કરો. આ વાતથી આશ્ચર્ય થાય. મને પણ મારી પત્નીએ કહ્યું કે મારા ફોનમાં પેમેન્ટ કરવા માટેની સિસ્ટમ નખાવી આપો. શાકવાળી બહેનો હવે પૈસા લેતી નથી.’

આમ કહેતાં જ સભામાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું, પરંતુ અમિત શાહે આ વાત કરીને નાના-નાના ધંધા-રોજગારવાળી વ્યક્તિઓ સુધી પહોંચી ગયેલી ડિજિટલ પેમેન્ટની વાતને વધાવી હતી. આ સમારોહમાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ગુરુકુળના સ્થાપક શાસ્ત્રી સ્વામી, શાસ્ત્રી સ્વામી પ્રેમસ્વરૂપદાસ સહિતના સંતો, પદાધિકારીઓ, વિદ્યાર્થીઓ, અધિકારીઓ ઉપસ્થિત હતા. 

gujarat news amit shah home ministry national news