13 January, 2024 09:41 AM IST | Ahmedabad | Shailesh Nayak
અમિત શાહ
અમદાવાદઃ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં યોજાયેલી ત્રણ દિવસીય દસમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ગઈ કાલે સમાપન થયું હતું, જેમાં ઉપસ્થિત રહેલા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહે ગર્વ સાથે કહ્યું હતું કે ‘આજે આખી દુનિયામાં ઉત્પાદન અને ઇન્વેસ્ટમેન્ટ માટે સૌથી પસંદગીનું ડેસ્ટિનેશન હોય તો એ ભારત છે અને ભારતમાં સૌથી પસંદગીનું ડેસ્ટિનેશન છે તો એ ગુજરાત છે, આનું આપણને સૌને ગર્વ છે.’ એટલું જ નહીં, અમિત શાહે ગુજરાતી ઇન્ડસ્ટ્રિયલિસ્ટ્સને કાશ્મીરમાં એક્સપાન્શન કરવા પણ અપીલ કરી હતી અને એમઓયુ કરનાર ઇન્ડસ્ટ્રિયલિસ્ટ્સને વિશ્વાસ અપાવ્યો હતો કે ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર તમારી અપેક્ષા પર નિશ્ચિતરૂપથી ખરી ઊતરશે.
ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં દેશ-વિદેશના લીડર્સ, ઉદ્યોગકારો, મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલી ૧૦મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના સમાપન સમારોહમાં અમિત શાહે કહ્યું હતું કે ‘૨૦ વર્ષનો કાળખંડ એક પ્રકારથી ગુજરાતના માધ્યમથી દેશના વિકાસને દિશા આપનારી વાઇબ્રન્ટ સમિટ બની છે. અમૃતકાળની પ્રથમ અને ગુજરાતની દસમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આજે ભૌતિક રીતે સમાપન થયું છે, પરંતુ આ સમિટ સંકલ્પથી સિદ્ધિમાર્ગનું અદ્ભુત સશક્તીકરણ પણ થયું છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટે આઇડિયાને પ્લૅટફૉર્મ આપ્યું છે, ઇનોવેશનને પ્લૅટફૉર્મ આપ્યું છે અને ઇન્વેસ્ટમેન્ટને ધરતી પર ઉતારવાનું કામ કર્યું છે. એનાથી ન માત્ર ગુજરાત, પરંતુ પૂરા દેશની ઇકૉનૉમી અને અર્થતંત્રને ફાયદો થયો છે.’
અમિત શાહે વધુમાં કહ્યું હતું કે ‘નરેન્દ્રભાઈ મોદીએ સ્ટ્રક્ચરલ રિફૉર્મ અપનાવ્યું છે. આ રિફૉર્મથી પર્ફોર્મ વધ્યું છે અને એના પગલે ઇકૉનૉમીમાં ટ્રાન્સફૉર્મેશન આવી રહ્યું છે. વિશ્વના નકશામાં ડાર્ક-સ્પૉટ ગણાતું રાજ્ય આજે વાઇબ્રન્ટ-સ્પૉટ તરીકે ઓળખાવા લાગ્યું છે. ભ્રષ્ટાચારમુક્ત શાસન, શાંતિપૂર્ણ વાતાવરણ અને પારદર્શક શાસનને પરિણામે આજે ગુજરાત આખા વિશ્વ માટે ઇન્વેસ્ટર-ચૉઇસ બન્યું છે. એક સમયે દેશમાં પૉલિસી-પૅરાલિસિસની બુમરાણ હતી. છેલ્લાં ૧૦ વર્ષના કાર્યખંડમાં પચીસ પૉલિસી બનાવીને આજે દેશને આર્થિક વિકાસના રસ્તા પર લઈ જવાનું કામ મોદીજીએ કર્યું છે.’
સમાપન સમારોહમાં જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા ઉપસ્થિત રહ્યા હતા તેમને યાદ કરતાં અમિત શાહે કહ્યું હતું કે ‘હું વિશેષ ધન્યવાદ-અભિનંદન મનોજજીને આપવા માગું છું. અમે ગુજરાતીઓ ઓળખાઈએ છીએ દુનિયાભરમાંથી ઇન્વેસ્ટમેન્ટ લાવવામાં. આજે ગુજરાતના મંચ પરથી મનોજ સિંહાએ કાશ્મીરમાં ઇન્વેસ્ટ કરો એવી અપીલ કરી છે. હું ગુજરાતી ઇન્ડસ્ટ્રિયલિસ્ટ્સને પણ જરૂર કહેવા માગીશ કે નૉર્થમાં તમે એક્સપાન્શન કરવા ઇચ્છો છો તો કાશ્મીરમાં જ કરો અને કાશ્મીરને ભારતનો અભિન્ન હિસ્સો બનાવવાનો મોદીજીનો જે પ્રયાસ છે એને સાથ આપો.’
સમાપન સમારોહમાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે ‘સફળતાપૂર્વક સંપન્ન થયેલી અમૃતકાળની આ પહેલી સમિટ દેશ અને દુનિયાની બિઝનેસ કમ્યુનિટી, થૉટ લીડર્સ, પૉલિસી મેકર્સ માટે ઇન્ક્લુઝિવ ગ્રોથ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટનું સામૂહિક કેન્દ્ર બની છે. વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશિપમાં આ સમિટને બે દાયકામાં ઉત્તરોત્તર મળેલી સફળતથી એની સ્પીડ અને સ્કેલ બન્ને વધતાં ગયાં છે અને વસુધૈવ કુટુંબકમ – એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્યના વિચારને વિશ્વભરના દેશોએ આ સમિટમાં સહભાગીતાથી સાકાર કર્યો છે. વડા પ્રધાને આપેલા ગ્રીન ગ્રોથના વિચારને ગુજરાતે આ સમિટમાં થયેલા કુલ એમઓયુના ૫૦ ટકા જેટલા એમઓયુ ગ્રીન હાઇડ્રોજન અને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં કરીને ચરિતાર્થ કર્યો છે.’
આ પ્રસંગે કેન્દ્રીય પ્રધાન પરષોત્તમ રૂપાલા, જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, વર્લ્ડ બૅન્કના કન્ટ્રી ડિરેક્ટર ઑગસ્તે તાનો કોમે, ટૉરેન્ટ ગ્રુપના ચૅરપર્સન સુધીર મહેતા, ઝાયડસ લાઇફ સાયન્સિસના ચૅરમૅન પંકજ પટેલ, નાયરા એનર્જીના ચૅરમૅન અને હેડ ઑફ રિફાઇનરી પ્રસાદ પાનીકર અને વેલસ્પન ગ્રુપના ચૅરમૅન બી. કે. ગોએન્કાએ પ્રાસંગિક સંબોધન કર્યાં હતાં.
સમાપન સમારોહમાં કેન્દ્રીય અને ગુજરાતના પ્રધાન મંડળના સભ્યો, વિવિધ દેશોના પ્રતિનિધિઓ, ઉદ્યોગપતિઓ, ઇન્વેસ્ટર્સ તેમ જ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.