09 February, 2023 10:30 AM IST | Ahmedabad | Shailesh Nayak
૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં માઈભક્તોને આમંત્રણ પાઠવવા માટે બનાસકાંઠાના જિલ્લા કલેક્ટર આનંદ પટેલ સહિતના અગ્રણીઓએ શક્તિરથોનું પ્રસ્થાન કરાવ્યું હતું.
અમદાવાદ : વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આમંત્રણ આપવા ઉત્તર ગુજરાતનાં ગામેગામ શક્તિરથ પહોંચવાના શરૂ થઈ ગયા છે અને ગામના લોકોને મહોત્સવમાં પધારવા ભાવભીનું આમંત્રણ આપવાનું શરૂ કર્યું છે. બીજી તરફ સમાજના આગેવાનો સાથે બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલે ગઈ કાલે બેઠક યોજીને મહોત્સવમાં પધારવા આમંત્રણ પાઠવ્યું હતું.
અંબાજીમાં આવેલા અંબેમાતાજીના ગબ્બર ખાતે ૧૨થી ૧૬ ફેબ્રુઆરી દરમ્યાન શ્રી પ૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પાલનપુર ખાતે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચૅરમૅન અને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને વિવિધ સમાજના આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી. આનંદ પટેલે કહ્યું હતું કે ‘૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં ૧૫૦૦ જેટલા સેવાસંઘો, પાલખીયાત્રા સહિત મોટી સંખ્યામાં યાત્રાળુઓ જોડાશે. આ અવસરે મહાશક્તિ યજ્ઞ, ચામરયાત્રા, પાલખીયાત્રા, ભજન સત્સંગ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો ઉપરાંત જગદંબાની ઉત્પત્તિ, પર આધારિત લાઇટ ઍન્ડ સાઉન્ડ શોનું આયોજન કરાયું છે.’