માણેકચોક: અમદાવાદનું નાસ્તાનું નેટવર્ક,જાણો અજાણી વાતો

11 January, 2019 06:54 PM IST  |  અમદાવાદ | Bhavin Rawal

માણેકચોક: અમદાવાદનું નાસ્તાનું નેટવર્ક,જાણો અજાણી વાતો

આખા અમદાવાદનું પ્રિય છે માણેક ચોક (તસવીર સૌજન્યઃઆશિષ મહેતા)

હે પોળની અંદર પોળ, ગલીમાં ગલી,
ગલી પાછી જાય શેરીમાં ઢળી
શેરી પાછી જાય પોળમાં મળી,
વળી પાછી ખડકીને અડકીને ખડકી ચલી
એ મુંબઈની એક મહિલા જાવા જમાલપુર નીકળી
ને વાંકી ચૂકી ગલી ગલીમાં વળી વળીને ભલી
ભાઈ માણેક ચોકથી નીકળી પાછી માણેક ચોકમાં મળી.

આ ગીતમાં ભલે અવિનાશ વ્યાસે અમદાવાદની પોળના રસ્તાઓનું વર્ણન કર્યું હોય, પણ નક્કી માનો મુંબઈની આ મહિલાને માણેકચોકના ચટાકેદાર વ્યંજનોનો સ્વાદ ગમી ગયો હશે એટલે જ એ ફરી ફરીને માણેક ચોક પહોંચી હશે. એટલે આ તો જસ્ટ વાત છે, પરંતુ અમદાવાના માણેક ચોકનો મહિમા કંઈક એવો જ છે, કે લોકો એક વાર આવે પછી ફરી ફરીને માણેક ચોકના જાણે પ્રેમી બની જાય છે. અમદાવાદીઓ માટે તો માણેક ચોક સ્ટ્રીટ ફૂડ માટેનું પ્રિય ઠેકાણું છે, પરંતુ હવે તો બહારગામથી એટલે સુધી કે સાત સમુંદર પારથી આવતા લોકો પણ સ્પેશિયલ માણેક ચોકની મુલાકાત લેવા આવે છે.

તો આજે વાત આ જ માણેક ચોકની કરીએ. જો તમે અમદાવાદી છો તો માણેક ચોક જીવનમાં એકવાર નાસ્તો ઝાપટવા ગયા જ હશો. પણ તમને ખબર છે આ માણેક ચોકની શરૂઆત કેવી રીતે થઈ ? આટલા નાના ચોકમાં આટલી બધી વાનગીઓ કેવી રીતે મળી જાય છે ? શું તમને એ ખબર છે કે તમે સાઉથ ઈન્ડિયન લારીના ટેબલ પર બેસીને ચાઈનીઝ મંગાવો તો પણ આવી કેવી રીતે આવી જાય છે. તો સ્વાદના શોખીનો ચાલો આજે તમને બતાવી દઈએ માણેક ચોકના ન જોયેલા રંગ. વાત છે માણેક ચોકની શરૂઆતની. અહીં ચાલતા ચિઠ્ઠી વ્યવહારની.

જ્વેલર્સની દુકાન બહાર જ આસન જમાવે છે ખૂમચાવાળા 

આજે તો માણેક ચોક સોની બજાર અને નાસ્તા માટે પ્રખ્યાત થઈ ચૂક્યુ છે. પરંતુ મૂળે તો ઈતિહાસ પ્રમાણે આ માણેક ચોક એટલે અમદાવાદના પ્રસિદ્ધ માણેક બાવાની જગ્યા. અમદાવાદ વિશે સંશોધન કરનાર અમદાવાદ ડૉ. માણેક પટેલનું કહેવું છે કે શક્ય છે કે સદીઓ પહેલા અહીંથી કોઈ નદી પસાર થતી હતી, જેના કિનારે માણેક બાવાએ પોતાની ઝૂંપડી બનાવી હતી. આ જ માણેક બાવાના નામ પરથી આ જગ્યાનું નામ વર્ષો જતા માણેક ચોક પડ્યું. અત્યારે પણ માણેક ચોકમાં એક દુકાનની અંદર માણેક બાવાની દેરી યથાવત્ છે.

જો કે આ તો વાત થઈ અહમદશાહના સમયની. પરંતુ મહાગુજરાત ચળવળ સમયે પણ માણેક ચોક એક હોટસ્પોટ હતું. માણેક પટેલના કહેવા પ્રમાણે તે સમયે આ ચોકને લોકમાન્ય તિળક મેદાન તરીકે ઓળખવામાં આવતું હતું. મહાગુજરાતની ચળવળ દરમિયાન આ જ ચોકમાં મીટિંગો યોજાતી હતી. તે સમયે અમદાવાદ ખાસ વિસ્તરેલું નહોતું. એટલે માણેક ચોક શહેરનું મુખ્ય સ્થળ બનવા લાગ્યું. અહીં જ શેરબજાર શરૂ થયું. રૂની તેજી મંદીનો વેપાર પણ અહીં જ ચાલતો. સરવાળે સમય જતા માણેક ચોક માણસોથી ઉભરાવા લાગ્યું. બજાર વિકસવાના કારણે નાના મોટા નાસ્તા વાળા પણ શરૂ થયા.

ગુજરાત જેટલું જ જૂનું છે માણેક ચોક

આજે જો કે માણેક ચોક નાસ્તા બજાર તરીકે શરૂ થવાની ચોક્કસ તારીખ મળતી નથી. પરંતુ એક અંદાજ પ્રમાણે 1955થી 1960ની વચ્ચે અહીં પ્રોપર નાસ્તાની લારીઓ શરૂ થઈ હતી. તે સમયે કસ્તુરજી નામના વ્યક્તિએ સૌથી પહેલી પાંવભાજીની લારી માણેકચોકમાં કરી હતી. કસ્તુરજી આજે પણ એ સમયને યાદ કરતા કહે છે કે ત્યારે માણેક ચોકમાં 2 આઈસક્રીમ વાળા, 2 પકોડીવાળા, એક સેવ વાળો, 2 ગાંઠિયાવાળા અને 2 ચા વાળા હતા. આમ નાનકડું નાસ્તા બજાર શરૂ થઈ ચૂક્યુ હતું. તે સમયે કસ્તુરજીએ માત્ર ત્રણ ટેબલ સાથે પાંવભાજીની શરૂઆત કરી હતી.

એક તરફ જ્વેલર્સના શટર પડે અને બીજી તરફ ટેબલો ગોઠવાય

જાણીતી બ્રાન્ડસનું જન્મસ્થાન એટલે માણેક ચોક

તો કસ્તુરજીની સમાંતર જ અહીં પી. લાલ સેન્ડવીચની લારી પણ શરૂ થઈ હતી. પી લાલની સેન્ડવીચ એ સમયે અમદાવાદની સૌથી પહેલી સેન્ડવીચની લારી હતી. જે તે સમયે અમદાવાદીઓ દૂર દૂરથી ખાવા આવતા હતા. આ ઉપરાંત બોમ્બે ગુલાલવાડી ભાજીપાંવ અને મહેશજી દૂધ તેમજ આઈસક્રીમની લારી ચાલતી હતી. અમદાવાદના વરિષ્ઠ પત્રકાર ગૌરવ વૈદ્ય કહે છે કે શરૂઆતમાં અહીં ચટાઈ પાથરીને બેસાડાતા હતા. ધીરે ધીરે તેમાંથી લારી થઈ અને પછી ટેબલનું કલ્ચર આવ્યું. હાલ જે અશર્ફી કુલ્ફીની બ્રાંચ અમદાવાદમાં ઠેર ઠેર છે, તે સમયે અહીં માટલા ગુલ્ફીની શરૂઆત અશર્ફીએ પણ લારીથી જકરી હતી. તો ગિરીશ કોલ્ડ્રીંકનું જન્મસ્થાન એટલે પણ માણેક ચોક.

સોની માટે કરે છે સુરક્ષાનું કામ

માણેક ચોક એક સમયે શરાફા બજાર તરીકે પણ ફેમસ હતું. આજે પણ માણેક ચોકમાં દિવસે જાવ તો રોડ ઉપર ઉભા રહેતા મુખવાસવાળાની પાછળ લાઈનસર તમામ સોનીની દુકાનો જ છે. માણેક ચોક આજે પણ દેશનું સૌથી મોટું સોની બજાર છે. જો કે આશ્ચર્યની વાત એ છે કે દિવસે સોની બજાર હોય છે અને સાંજે આ જ જગ્યા સ્ટ્રીટ ફૂડ માર્કેટમાં ફેરવાઈ જાય છે. જે મોડી રાત્રે લગભગ 2 વાગ્યા સુધી ચાલુ રહે છે. આશ્ચર્યની વાત એ પણ છે કે મોડી રાત સુધી સંખ્યાબંધ માણસોની અવરજવર છતાં આજ સુધી સોની બજારમાં એક નાનકડી વસ્તુ પણ ચોરાઈ નથી. કદાચ આ નાસ્તાબજારની હલચલ જ અહીંના સોની બજારને સૌથી મોટી સુરક્ષા પૂરી પાડે છે.

ચાઈનીઝ હોય કે સાઉથ ઈન્ડિયન અહીં બધું જ મળશે

ટાઈમ મેનેજમેન્ટનું ઉત્તમ ઉદાહરણ

સામાન્ય રીતે પોતાની દુકાન આગળ ધંધો કરવા માટે કોઈ પણ વેપારી ભાડુ વસુલ કરતો હોય, પરંતુ માણેક ચોકમાં એક પણ સોની નાસ્તાવાળા પાસેથી ભાડુ નથી વસુલતા. આજે તો આ તમામ નાસ્તાવાળા વેપારીઓ પણ લાયસન્સ હોલ્ડર બની ચૂક્યા છે. સૌથી પહેલી ભાજીપાંવની લારી કરનાર કસ્તુરજીના કહેવા પ્રમાણે શરૂઆતમાં હેરાનગતિ રહેતી હતી પરંતુ 1965ની આસપાસ મ્યુનિસિપલ કોર્પોરેશને તમામને લાયસન્સ આપી દીધા. ત્યારથી આ નાસ્તા બજારને ઓફિશિયલ માન્યતા મળી ગઈ. અમદાવાદના જાણીતા હેરિટેજ ફોટોગ્રાફર આશિષ મહેતા માણેક ચોકને ટાઈમ મેનેજમેન્ટનું ઉત્તમ ઉદાહરણ માને છે. કારણ કે અહીં સાંજે 7.30 8 વાગ્યાની આસપાસ જ્વેલર્સના શટરો બંધ થાય અને બીજી બાજુ નાસ્તાના ટેબલો ગોઠવાતા જાય. જો કો વહેલી સવારે પણ તમે માણેક ચોકમાં પહોંચો તો કહી ન શકો કે આ જગ્યાએ મોડી રાત સુધી નાસ્તાપાણી થયા હતા. નાસ્તા બજાર બંધ થયા બાદ સફાઈની જવાબદારી પણ લારી ધારકો જ ઉઠાવે છે. અને સવારે ચોખ્ખુ ચણાક માણેક ચોક આપીને જાય છે.

નેતાઓ પણ અહીં કરે છે નાસ્તા

ચોકલેટ સેન્ડવીચ કે પાઈનેપલ પિઝા તમે જે વેરાયટી સાંભળી પણ ન હોય તે તમને માણેક ચોકમાં ખાવા મળી જાય. એટલે જ કદાચ નેતાઓમાં પણ નાસ્તાની પહેલી પસંદ માણેક ચોક છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે પણ અમદાવાદ આવે તો માણેક ચોકથી જ નાસ્તો મંગાવે છે. તો ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા તો ક્યારેક પોતે જ અહીં નાસ્તો કરવા પહોંચે છે.

લૉ ગાર્ડનની ખાઉગલી છે માણેક ચોકનું માનસ સંતાન

શરૂ થયું ત્યારથી માણેક ચોક સતત વિકસ્તું જ આવ્યું છે. એવું નથી કે આ બજારને મુશ્કેલીઓ નથી નડી 1985ના અનામતના તોફાનો હોય કે 2001ના કોમી રમખાણો, આ સમયે માણેક ચોકમાં સન્નાટો પ્રસરી જતો હતો. જો કે લૉ ગાર્ડનની ખાઉગલી પણ માણેક ચોકનું જ માનસ સંતાન છે. જાણીતા ફોટોગ્રાફર આશિષ મહેતા કહે છે કે 1985ના અનામત આંદોલન સમયે માણેક ચોક દિવસો સુધી બંધ રહ્યું. બસ તેની સાથે જ લૉ ગાર્ડનમાં ખાઉગલીની શરૂઆત થઈ.

નાસ્તાનું નેટવર્ક

જેમ મુંબઈના ડબ્બાવાળાઓનું નેટવર્ક જાણીતું છે, તેવું જ નાના પાયે કંઈક માણેક ચોકમાં પણ છે. અહીંની ખાસિયત છે કે તમે ગમે તે લારીના ટેબલ પર બેસીને ગમે તે ચીજવસ્તુ ઓર્ડર કરી શકો છો. એટલે કે પંજાબી લારી પર બેસીને ચાઈનીઝ મંગાવો તો પણ આવી જાય. આ વ્યવહાર માણેક ચોકમાં ચાલે છે ચિઠ્ઠીના વ્યવહારથી. એટલે કે જો તમે કોઈ ભાજીપાંવની લારી પર બેસીને મંચુરિયન ઓર્ડર કર્યું તો ભાજીપાંવની લારી પરથી જ મંચુરિયનની લારી પર ઓર્ડર જાય અને તમારા ટેબલ સુધી પહોંચે. જો કે વેપારીઓ અંદર અંદર ચિટ્ઠી પર લખી રાખે છે કે કોની લારી પર પોતાની કેટલી આઈટમ ગઈ. જેનો છેલ્લે હિસાબ કરવામાં આવે. એટલે જ માણેક ચોક નાસ્તાનું પણ નેટવર્ક છે.

આ પણ વાંચોઃ રોગન આર્ટઃએક કલા જેણે ગજવ્યું ગામ !

એક તરફ સોની બજાર, વચ્ચે મુખવાસ બજાર, બીજી તરફ વાસણ બજારને આ બધું જ બંધ થાય એટલે માણેક ચોક જાણે નવા વઘા સજે છે. જેમ જૂના જમાનામાં રાજા વેશપલટો કરીને નગરચર્યા નીકળતા તેમ માણેક ચોક પણ રાત્રે વેશપલટો કરીને સ્ટ્રીટ ફૂડનું માર્કેટ બની જાય છે. આ જ માણેક ચોકે હેરિટેજ સિટી અમદાવાદને દેશ વિદેશમાં ખ્યાતિ અપાવી છે. તો જો તમે અમદાવાદમાં રહીને પણ માણેક ચોક નથી ગયા તો ભાઈ આજે જ દોડો. અને જો તમે અમદાવાદની મુલાકાત લઈ રહ્યા છો તો માણેક ચોકની મુલાકાત વિના પાછા તો ન જ આવતા.

gujarat ahmedabad news