અમદાવાદ રેલવે સ્ટેશનમાં મોઢેરા સૂર્યમંદિરની ઝાંખી જોવા મળશે

29 September, 2022 08:57 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

કેન્દ્રીય કૅબિનેટે ૧૦ હજાર કરોડના ખર્ચે અમદાવાદ સહિત નવી દિલ્હી અને મુંબઈ રેલવે સ્ટેશનના પુનર્વિકાસ કરવાના પ્રસ્તાવને આપી મંજૂરી

અમદાવાદ રેલવે સ્ટેશનની ડિઝાઇન ગુજરાતના સુપ્રસિદ્ધ મોઢેરા સૂર્યમંદિરથી પ્રેરિત હશે

દિલ્હીમાં ગઈ કાલે મળેલી કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠકમાં અમદાવાદ, નવી દિલ્હી અને સીએસએમટી મુંબઈ રેલવે સ્ટેશનના પુનઃ વિકાસના ભારતીય રેલવેના પ્રસ્તાવને મંજૂરી અપાઈ છે. મુંબઈના સીએસએમટી રેલવે સ્ટેશનના હેરિટેજ બિલ્ડિંગમાં કોઈ ફેરફાર કરવામાં નહીં આવે, જ્યારે અમદાવાદ રેલવે સ્ટેશનની ડિઝાઇન ગુજરાતના સુપ્રસિદ્ધ મોઢેરા સૂર્યમંદિરથી પ્રેરિત હશે. ૧૦,૦૦૦ કરોડ રૂ​િપયાના ખર્ચે આ ત્રણ રેલવે સ્ટેશનનો પુનઃ વિકાસ થશે. 

કેન્દ્રીય રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ‘અમદાવાદના કાળુપુર રેલવે સ્ટેશનની નવી ડિઝાઇન મોઢેરાના સૂર્યમંદિરથી પ્રેરિત છે. આ ઉપરાંત દિલ્હી રેલવે સ્ટેશન બસ, ઑટો અને મેટ્રો રેલ સર્વિસ સાથે ટ્રેન સર્વિસને એકીકૃત કરશે. 

અમદાવાદમાં પુનઃ વિકાસ પામનાર રેલવે સ્ટેશનનું મૉડલ

મુંબઈના સીએસએમટી રેલવે સ્ટેશનના હેરિટેજ બિલ્ડિંગમાં કોઈ ફેરફાર નહીં કરવામાં આવે, પરંતુ એની આસપાસના વિસ્તારોનાં બિલ્ડિંગોને પુનઃ વિકસિત કરવામાં આવશે. નવી દિલ્હી, સીએસએમટી મુંબઈ અને અમદાવાદ રેલવે સ્ટેશનના પુનર્વિકાસ માટેનાં ટેન્ડર આગામી ૧૦ દિવસમાં બહાર પાડવામાં આવશે. આ ત્રણ મુખ્ય સ્ટેશનો સહિત ૧૯૯ સ્ટેશનોના પુનઃ વિકાસનો કુલ ખર્ચ ૬૦,૦૦૦ કરોડ રૂપિયા છે. અગામી બેથી સાડાત્રણ વર્ષના સમયગાળા દરમ્યાન અમદાવાદ, નવી દિલ્હી અને મુંબઈ રેલવે સ્ટેશનનો પુનઃ વિકાસ કરવામાં આવશે. આ સ્ટેશનનોના પુનઃ વિકાસમાં મૉડ્યુલર ટેકનૉલૉજીનો ઉપયોગ કરવામાં આવશે.’

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે ‘આ આધુનિક સ્ટેશનને લીધે રેલવે મુસાફરીનો અનુભવ વધુ સુવિધાયુક્ત અને શાનદાર બનશે.’

gujarat gujarat news ahmedabad new delhi mumbai chhatrapati shivaji terminus shailesh nayak