09 June, 2023 10:50 AM IST | Ahmedabad | Shailesh Nayak
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
ગુજરાતમાં અમદાવાદમાંથી નીકળનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને શહેર પોલીસે ગઈ કાલે કેટલાક વિસ્તારમાં જુદી-જુદી ટીમો દ્વારા કૉમ્બિંગની કાર્યવાહી હાથ ધરી હતી.
આગામી ૨૦ જૂનના અમદાવાદમાંથી રથયાત્રા પર્વ યોજાશે. આ પર્વ શાંતિપૂર્ણ રીતે અને સૌહાર્દભર્યા માહોલમાં સંપન્ન થાય એ માટે થઈને અમદાવાદ પોલીસ સતર્ક બની છે અને એના માટે પ્રયાસો હાથ ધર્યા છે. કોઈ પણ ભાંગફોડિયાં તત્ત્વો કે અન્ય લોકો કે જેઓ વ્યવસ્થા ખોરવાય એના માટે કોઈ પ્રવૃત્તિ ન કરી શકે એ માટે શહેર પોલીસ દ્વારા ગઈ કાલે કૉમ્બિંગની કાર્યવાહી હાથ ધરી હતી. શહેરના પૂર્વ વિસ્તારમાં ચંડોળા તળાવ તેમ જ ઇસનપુર એરિયામાં પોલીસની ૧૦ ટીમોએ તપાસ હાથ ધરી હતી જેમાં ચંડોળા તળાવ વિસ્તારમાં મિલ્લતનગર, બાંગલાદેશી વિસ્તારમાં પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું.