વાહનો અને જવાનો દ્વારા રખાશે રથયાત્રા પર નજર

19 June, 2023 10:31 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

અમદાવાદમાં યોજાનારી ૧૪૬મી ભગવાન જગન્નાથ રથયાત્રા દરમ્યાન બૉડીવૉર્ન કૅમેરા પહેરનારા જવાનો અને સીસીટીવી કૅમેરાથી સજ્‍‍જ વાહનો રાખશે ચાંપતી નજર

અમદાવાદમાં આવેલા જગન્નાથ મંદિરમાં ગઈ કાલે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજી મામાના ઘરેથી પરત ફર્યાં હતાં. લોકવાયકા છે કે મામાને ઘરે પ્રભુને ‘આંખો આવી’ હતી એટલે તેમને આંખે પાટા બાંધવામાં આવ્યા હતા. મંદિરમાં વર્ષમાં આ રીતે એક વાર પ્રભુનાં દર્શન થાય છે. તસવીર જનક પટેલ

અમદાવાદમાં ૨૦ જૂને યોજાનારી ૧૪૬મી ભગવાન જગન્નાથ રથયાત્રા દરમ્યાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ માટે પૂરેપૂરી તકેદારી રાખવામાં આવી રહી છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રથયાત્રા શાંતિ, સલામતી સાથે અને કોઈ જ અનિચ્છનીય ઘટના વિના સફળતાથી પાર પાડવા માટેની પોલીસની તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય મીટિંગ કરી હતી. રથયાત્રા દરમ્યાન બૉડીવૉર્ન કૅમેરા પહેરનારા જવાનો અને સીસીટીવીથી સજ્‍‍જ વાહનો ચાંપતી નજર રાખશે.

ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી તેમ જ મુખ્ય પ્રધાનના મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ રાજકુમાર અને ગૃહના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી તેમ જ પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ આ બેઠકમાં સહભાગી થયા હતા. આ વર્ષે ગુજરાતમાં રથયાત્રામાં પ્રથમ વાર સમગ્ર યાત્રારૂટ, નિજમંદિર, વ્યુહાત્મક સ્થળો સહિતની બાબતો પર થ્રીડી મૅપિંગથી નજર રાખવામાં આવશે.

આંખે પાટા બાંધેલા પ્રભુનાં દર્શન કરવા ભાવિકો જગન્નાથ મંદિરમાં ઊમટ્યા હતા.

મુખ્ય પ્રધાને સોશ્યલ મીડિયા કે વૉટ્સઍપ દ્વારા રથયાત્રાને સ્પર્શતી કોઈ ખોટી અફવાઓ ન ફેલાય એ માટે સાઇબર ક્રાઇમ ટીમ અને ક્રાઇમ બ્રાન્ચને સતર્ક રહેવાની ખાસ તાકીદ કરી હતી. હર્ષ સંઘવીએ આ મીટિંગની વિગતો આપતાં કહ્યું કે, અમદાવાદની આ રથયાત્રા રંગે ઉમંગે પાર પડે એ માટે રાજ્ય સરકારે સુદૃઢ વ્યવસ્થા ગોઠવી છે. રાજ્યભરમાં વિવિધ સ્થળોએ મળીને ૧૯૮ જેટલી રથયાત્રાઓ તેમ જ અમદાવાદ શહેરમાં મુખ્ય રથયાત્રા સાથે અન્ય ૬ નાની રથયાત્રાઓ પણ અલગ-અલગ વિસ્તારમાંથી નીકળે છે. આ બધી રથયાત્રાઓમાં કોમી સંવાદિતા જળવાઈ રહે એના પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવા મુખ્ય પ્રધાને માર્ગદર્શન આપ્યું હતું.

26,091
અમદાવાદની રથયાત્રા માટે પૅરામિલિટરી ફોર્સ સહિત કુલ આટલા પોલીસ અધિકારી - કર્મચારીઓ તહેનાત રહેશે.

94
૪૫ જેટલા સેન્સિટિવ લોકેશન પરથી આટલા સીસીટીવી કૅમેરા દ્વારા વૉચ રાખવામાં આવશે.

2322
બૉડીવૉર્ન કૅમેરા સાથે આટલા જવાનો તહેનાત રહેશે.

Rathyatra ahmedabad gujarat news