03 February, 2023 11:24 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
મહેસાણા જિલ્લાના સાલડી ગામે પિંપળેશ્વર મહાદેવના પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં દર્શનાર્થીઓને પ્રસાદી તરીકે રુદ્રાક્ષની માળાઓ આપી રહેલો અમેરિકાથી આવેલો ભાવિક
અમદાવાદ : ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલા સાલડી ગામે સ્વયંભૂ પ્રગટ શ્રી પિંપળેશ્વર મહાદેવ મંદિરે પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે, જેમાં એનઆઇઆર ગુજરાતીઓ દાદાનાં દર્શને ઊમટ્યાં છે. એટલું જ નહીં, અમેરિકામાં રહેતા ગુજરાતી ભાવિકે ખાસ હરિદ્વારથી રુદ્રાક્ષની ૧૧,૦૦૦ માળા મગાવીને પ્રસાદીમાં વહેંચી છે.
આ પણ વાંચો : ૭૭ વર્ષે સાકાર થયું ગાંધીબાપુનાે સાબરમતી આશ્રમ જોવાનું સપનું
લાંઘણજ પાસે આવેલા સાલડી ગામે આસ્થા અને શ્રદ્ધાના કેન્દ્રસમા પિંપળેશ્વર મહાદેવ મંદિરમાં છેલ્લા બે દિવસથી પિંપળેશ્વર મહાદેવ, અંબાજી માતાજી અને ઉમિયા માતાજીનો પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ તેમ જ શેશનાગદેવતાના મંદિરના નિર્માણના મહોત્સવનો ધાર્મિક કાર્યક્રમ ચાલી રહ્યો છે. મુંબઈના સ્વ. પુરષોત્તમદાસ પટેલ પરિવાર દ્વારા દાદાના મંદિરનું નિર્માણ કરાયું છે. મંદિરમાં પાંચદિવસીય મહોત્સવમાં પાંચ દિવસ સુધી શતકુંડીય હોમાત્મક અતિ રુદ્ર મહાયજ્ઞ યોજાઈ રહ્યો છે. મંદિર પર સાડાચાર કિલો સોનાથી શિખર અને ધજા દંડ મઢવામાં આવ્યો છે. સાલડીની આસપાસનાં ૪૦ જેટલાં ગામોના લોકો ઉત્સાહ સાથે આ મહોત્સવમાં જોડાયા છે. આ ઉપરાંત અમેરિકા, કૅનેડા, ઑસ્ટ્રેલિયા, ઇંગ્લૅન્ડ સહિતના દેશોમાંથી ગુજરાતી ભાવિકો દાદાના મહોત્સવમાં ભાગ લેવા આવ્યા છે. અમેરિકાથી આવેલા ભાવિકે પિંપળેશ્વર દાદાની યાદમાં હરિદ્વારથી રુદ્રાક્ષની ૧૧,૦૦૦ માળાઓ લાવીને મંદિરે આવતા દર્શનાર્થીઓને પ્રસાદરૂપે આપી રહ્યા છે.
સાલડી ગામે પિંપળેશ્વર મહાદેવ મંદિરે ઊજવાઈ રહેલા ધાર્મિક કાર્યક્રમો