નવા જંત્રીનો અમલ ત્રણ વર્ષ સુધી અમદાવાદમાં નહીં થાય

11 February, 2023 10:45 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

ત્રણ વર્ષ દરમ્યાન પ્રજાજનો પર પડનારો સંભવિત ૯૦૦ કરોડ રૂપિયાનો બોજો હવે નહીં પડે.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક

અમદાવાદ : ગુજરાત સરકારે નવો જંત્રી લાગુ કરીને ૧૦૦ ટકાનો વધારો કરતાં એની સામે વિરોધના સૂર ઊઠ્યા છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને શહેરીજનોને રાહત આપી છે. નવા જંત્રીનો અમલ ત્રણ વર્ષ સુધી પ્રૉપર્ટી-ટૅક્સમાં નહીં કરવાનો નિર્ણય ગઈ કાલે સ્ટૅન્ડિંગ કમિટીની બેઠકમાં લેવાયો છે. આમ ત્રણ વર્ષ દરમ્યાન પ્રજાજનો પર પડનારો સંભવિત ૯૦૦ કરોડ રૂપિયાનો બોજો હવે નહીં પડે.

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની સ્ટૅન્ડિંગ કમિટીના ચૅરમૅન હિતેશ બારોટે ગઈ કાલે વર્ષ ૨૦૨૩-૨૪ માટેનું ૯,૪૮૨ કરોડ રૂપિયાનું અંદાજપત્ર રજૂ કર્યું હતું. હિતેશ બારોટે મીડિયાને કહ્યું હતું કે ‘ગુજરાત સરકારના સ્ટૅમ્પ-ડ્યુટી અને મૂલ્યાંકન વિભાગ દ્વારા તાજેતરમાં જાહેર કરેલા રિવાઇઝ નવા જંત્રીનો અમલ અગામી ત્રણ વર્ષ માટે મ્યુનિસિપલ પ્રૉપર્ટી-ટૅક્સના હેતુસર નહીં કરવા ઠરાવવામાં આવ્યું છે. ગુજરાત સરકારે જંત્રી રિવાઇઝ કરી છે એમાં ત્રણ વર્ષ સુધી ટૅક્સમાં વધારો નહીં કરવો, કેમ કે એના દર બદલાઈ જાય તો દર વર્ષે ૩૦૦ કરોડ રૂપિયાનો વધારો થાય. આપણે ત્રણ વર્ષ માટે એનો અમલ મુલતવી રાખીએ છીએ એટલે પ્રજાને ૯૦૦ કરોડ રૂપિયાથી વધુનો બોજો નહીં પડે અને પ્રજાને રાહત મળશે.’

તેમણે વધુ કહ્યુ હતું કે ‘શહેરમાં વધુ ઊંચાઈવાળાં બિલ્ડિંગોમાં આગ બુઝાવવા અને લોકોના જાન-માલનું રક્ષણ કરવાની કામગીરી માટે બે સ્નૉર્કલ તથા ત્રણ ડ્રોન ઑપરેટેડ વેહિકલ માઉન્ટેડ ફાયર ફાઇટિંગ સિસ્ટમ ખરીદવા માટે ૧૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે.’

gujarat news ahmedabad gujarat cm shailesh nayak