અમદાવાદમાં વરસાદી માહોલ, વાસણા બેરેજના ત્રણ દરવાજા ખોલાયા

10 September, 2019 11:11 AM IST  | 

અમદાવાદમાં વરસાદી માહોલ, વાસણા બેરેજના ત્રણ દરવાજા ખોલાયા

અમદાવાદ શહેરમાં મોડી રાતથી ફરી એકવાર વરસાદે બેટિંગ શરૂ કરી છે. મોડી રાતથી જ વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે લોકોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદના ઘણા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઈ જવાના કારણે વાહન વ્યવહારમાં પણ મુશ્કેલી ભોગવવી પડી રહી છે. શહેરના અન્ય વિસ્તાર વેજલપુર, નરોડા, મેમ્કો, ઈસનપુર, બોડકદેવ, રાણીપ સહિત વિસ્તારમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. શહેરમાં મોડી રાતથી છૂટોછવાયો વરસાદ રહેતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

શહેરમાં ખાબકી રહેલા વરસાદના કારણે વાસણા બેરેજના 3 દરવાજા 2 ફુટ સુધી ખોલવામાં આવ્યા હતા. AMC દ્વારા ભારે વરસાદની આગાહીને લઈને પૂર્વ આયોજનના ભાગરૂપે વાસણા બેરેજનું લેવલ 130 ફૂટથી નીચું રાખ્યું છે. ઉપરવાસમાં પડી રહેલા વરસાદના પગલે સાબરમતી નદીમાં પણ 5121 ક્યુસેકની આવક થઇ રહી છે જ્યારે બીજી બાજુ હવામાન વિભાગ તરફથી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. વરસાદની આગાહીના કારણે વાસણા બેરેજમાંથી 5064 ક્યુસેક પાણી નદીમાં અને કેનાલમાં 220 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. શહેરમાં મોડી રાતથી વરસાદ વરસી રહ્યો છે અને ધીરે ધીરે વરસાદનું જોર વધી રહ્યું છે.

આ પણ વાંચો: Mumbai Rains: મુંબઈમાં આગામી 2 દિવસ ભારે વરસાદ થવાની સંભાવના

મંગળવારે સવારે આકાશમાં વીજળીના કડાકા સાથે કાળા ડિબાંગ વાદળોએ જગ્યા લીધી હતી. વાદળછાયા વાતાવરણ વચ્ચે રસ્તાઓ પર સામાન્ય દિવસ કરતા વિઝિબિલિટી ઓછો જોવા મળી હતી. ધોધમાર વરસાદને કારણે શહેરના અનેક રસ્તાઓ ધોવાયા છે . શહેરના મુખ્ય રસ્તાઓ પર પણ ઠેર ઠેર પડેલા ખાડાને કારણે લોકોને પરેશાની ભોગવવી પડી રહી છે.

ahmedabad gujarati mid-day